મચ્છુ જળ હોનારતની વરસીએ 21 સાયરન વગાડીને મૌન રેલી કાઢી મણિમંદિરે પહોંચી દિવંગતોના સ્મૃતિ સંત્ભને રાજકીય, સામાજિક, શૈક્ષણિક સહિતના દરેક ક્ષેત્રેના આગેવાનો, અધિકારીઓ અને નાગરિકો તેમજ.પુરગ્રસ્તોએ ફુલહાર અર્પણ કરી અશ્રુભીની શ્રદ્ધાજંલી આપી
મોરબી: મોરબીમાં 46 વર્ષ પહેલાં સર્જાયેલી મચ્છુ જળ હોનારતની 46મી વરસી નિમિત્તે આજે મહાનગરપાલિકા દ્વારા એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દુર્ઘટનામાં દિવંગત થયેલા આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે શહેરભરમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
મૌન રેલી બપોરે 3:30 કલાકે મહાનગરપાલિકા કચેરીથી શરૂ થઈ હતી. નહેરુ ગેટ ચોક પાસેથી સાયરન વગાડીને શોકની શરૂઆત કરવામાં આવી હતી અને 21 સાયરન વગાડીને દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ રેલીમાં ધારાસભ્યો કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મહેતા, પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કલેક્ટર કે.બી. ઝવેરી, એસ.પી. રાહુલ ત્રિપાઠી, ડીડીઓ જયેશ પ્રજાપતિ, કમિશનર સ્વપ્નિલ ખરે, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, જીલ્લા પંચાયત ના ચેરમેન અજય લોરીયા ,આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સહસંચાલક ડૉ. જયંતિભાઈ ભાડેશીયા સહિત ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.
આ મૌન રેલી મણી મંદિર નજીક આવેલા સ્મૃતિ સ્તંભ સુધી પહોંચી હતી, જ્યાં સૌએ દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી અને તે સમયના સંસ્મરણો યાદ કર્યા હતા. જે લોકો તે સમયે સ્વયંસેવક તરીકે રાહત કાર્યમાં જોડાયા હતા, તેમણે પણ પોતાના અનુભવો યાદ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
આ ઉપરાંત, વજેપર ખાતેના રામજી મંદિરમાં 24 કલાકની અખંડ ધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ધૂન ગઈકાલે રાત્રે 9:00 વાગ્યાથી શરૂ થઈને આજે રાત્રે 9:00 વાગ્યા સુધી ચાલશે. જેમાં વજેપર ગામના લોકો જોડાઈને ભજન-ધૂન કરી દિવંગતોની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.




