મોરબી : મોરબીના સામાજિક કાર્યકરોએ મોરબીના નહેરુગેઈટમાં આવેલું મહિલા શૌચાલય શરૂ કરવા માગ કરી છે. આશરે 2 મહિનાથી બંધ હાલતમાં રહેલા મહિલા શૌચાલયની સાફ સફાઈ કરીને શરૂ કરવામાં આવે તેવી મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, ગીરીશભાઈ કોટેચા, જગદીશભાઈ બાંભણીયા અને દેવેશભાઈ રાણેવાડીયાએ રજૂઆતમાં જણાવ્યું છે કે, નહેરુગેઈટ ચોકમાં આવેલું મહિલાઓ માટેનું શૌચાલય ખંઢેર હાલતમાં છે. એક તરફ વડાપ્રધાન ઘર ઘર શૌચાલયની વાત કરે છે ત્યારે નહેરુ ગેઈટના ચોકની અંદર આવેલું મહિલાઓ માટેનું શૌચાલય શોભાના ગાંઠીયા જેવું છે અને તાળા મારેલા છે. આ ઉપરાંત સામાકાંઠે કુળદેવી પાનથી આગળ આવેલું સાર્જનિક શૌચાલય પણ બંધ છે. આગામી દિવસોમાં તહેવાર આવી રહ્યો હોય મહિલાઓ બજારમાં ખરીદી કરવા આવશે. તો તાત્કાલિક ધોરણે આ શૌચાલયની સફાઈ કરીને ચાલુ કરવામાં આવે તેવી માગણી કરાઈ છે.










