મોરબી : વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી સ્વ. પ્રદીપસિંહ ધીરુભા ઝાલા (ઉંમર 42, રહે. પેડેક રોડ, વાંકાનેર)નું તાજેતરમાં બીમારીના કારણે અવસાન થયું હતું. ફરજ દરમિયાન અકાળે મૃત્યુ પામેલા આ પોલીસકર્મીના પરિવારને સહાયરૂપ થવા માટે મોરબી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા એક સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે.
પોલીસ પરિવારે એકત્ર કરેલી રૂ.8,61,311 ની માતબર રકમનો ચેક તેમના પરિવારજનોને અર્પણ કરવામાં આવ્યો હતો. આ ચેક પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને અન્ય કર્મચારીઓની હાજરીમાં રેન્જ આઈજીના હસ્તે સ્વ. પ્રદીપસિંહ ઝાલાના પરિવારજનોને સુપરત કરવામાં આવ્યો હતો.
પ્રદીપસિંહ ધીરુભા ઝાલાનું 18-9-2025ના રોજ બીમારીના કારણે દુઃખદ અવસાન થયું હતું. તેમના પિતા ધીરુભા તખ્તસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર, મોરબી જિલ્લા પોલીસ પરિવારે આ કપરા સમયમાં તેમના કુટુંબ પ્રત્યે અને સ્વ. પ્રદીપસિંહના 10 વર્ષના પુત્ર પ્રત્યે ગહન સંવેદના દાખવી હતી. રેન્જ આઇ.જી. યાદવ, એસ.પી. પટેલ, ડી.વાય.એસ.પી. સમીર સારળા અને અન્ય તમામ અધિકારીઓ, સી.પી.આઇ.ઓ, અને પી.આઇ. ઝાડેજા સહિત મોરબી જિલ્લાના સમગ્ર પોલીસ સ્ટાફે સ્વ. પ્રદીપસિંહના પુત્રના શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડી હતી. આ માનવીય મદદ બદલ ધીરુભા ઝાલાએ રાજકોટ જિલ્લા, રેન્જ આઇ.જી. સાહેબ અને વાંકાનેર સિટી, હળવદ, મોરબી, ટંકારા સહિતના તમામ પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.











