
મોરબી : મોરબીમાં જીઆરડી જવાને જાહેરમાં તલવાર વડે કેક કાપીને જિલ્લા કલેકટરના હથિયારબંધીના જાહેરનામા ખુલ્લેઆમ ભંગ કર્યો છે.મોરબીમાં જીઆરડી જવાનનો જાહેરમાં તલવાર વડે કેક કાપતો વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઇ છે.

મોરબીમાં બર્થ ડેની હથિયારો કે ફટાકડા ફોડી જાહેરમાં ઉજવણી કરવી એ રજવાડી શોખ બની ગયો હોય એમ અગાઉ પણ નબીરાઓએ હથિયારો કે ફટાકડા ફોડીને જાહેરમાં બર્થ ડેની ઉજવણી કરી હોવાનો વિડીયો વાયરલ થયા બાદ હવે કાયદો વ્યવસ્થાની જાળવણી કરવાની જવાબદારી હોય તેવા રક્ષકનો પણ આવો જ વિડીયો સામે આવ્યો છે મોરબી તાલુકા પોલીસ મથકમાં જીઆરડી જવાન તરીકે ફરજ બજાવતા હરેશ સોલંકી તેના જન્મ દિવસે કાળા રંગની સ્કોર્પિયો ગાડી માં એક સાથે પાંચથી સાત જેટલી કેક તલવાર વડે કાપતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જીઆરડી જવાન તલવાર વડે કેક કાપતો હોય અને બીજા યુવાનો નાચ ગાન કરી કિકયારી કરતા દેખાય છે. સાથે એકાદ ફટાકડા પણ ફૂટે છે. હરેશ સોલંકી નામના જીઆરડી જવાન મોરબી તાલુકા પોલીસમાં ફરજ બજાવે છે. આ વીડિયો ક્યારનો છે એ જાણવા મળ્યું નથી પણ આ જવાને જીલ્લા કલેકટરના હથિયારબંધીના જાહેરનામાનો સરેઆમ ભંગ કર્યો છે. ત્યારે પોલીસ આ જાહેરનામાના ભંગ બદલ શુ કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.