

સરકારે રાજકોટની ગેમઝોનની દુર્ઘટના પછી ગંભીર નિયમો લાગુ કર્યા પણ તંત્ર એની અમલવારીમાં કાચું પડ્યું
મોરબી : મોરબી એસટી ડેપો દ્વારા રીતસર સરાજાહેર સરકારના નિયમો ઉલાળીયો કરવામાં આવી રહ્યો છે. જેમાં સરકારે રાજકોટની ગેમઝોનની દુર્ઘટના પછી ગંભીર નિયમો લાગુ કર્યા પણ તંત્ર એની અમલવારીમાં કાચું પડ્યું હોવાનું સામે આવ્યું છે. મોરબી એસટી ડેપોમાં જાણે રેઢારાજ હોય અને નિયમોની પરવા જ ન કરાતી હોવાથી મોરબીની એક ગ્રામ્ય રૂટની બસમાં 80 વિધાર્થીઓ અને 20 અન્ય લોકો મળીને 100થી વધુ લોકો ઘેટા બકરાની જેમ ભરાતા હોય એવી સ્થિતિમાં કોઈ અમંગળ ઘટના બને તો જવાબદારી કોની તેવો પ્રશ્ન ઉપસ્થિત થયો છે.
મોરબી એસટી તંત્ર જડ વલણ અને અણઘડ વહીવટથી પંકાય ગયું છે. ત્યારે મોરબી એસટી તંત્રની લાપરવાહીમાં વધુ એક બેદરકારી ઉમેરાય છે. જેમાં મોરબીથી જીકિયારી એસટી બસમાં અપડાઉન કરતા વિધાર્થીઓએ જણાવ્યું હતું કે, એક બસમાં આશરે 50થી વધુ લોકોને બેસાડવાની ક્ષમતા હોય છે.પણ મોરબીથી જિકીયારી બસમાં આ નિયમનો સરેઆમ ભંગ થાય છે. રોજ અભ્યાસ અર્થે મોરબીથી જીકીયારી સુધી અપડાઉન કરતા આશરે 80 જેટલા વિદ્યાર્થીઓને આ બસ લટકી લટકીને મુસાફરી કરવા મજબુર બનવું પડે છે. આ ઉપરાંત તેમની સાથે 20 થી 30 ગામડાના લોકો હોય છે. આ લોકોને બેસવા દેવા પડે છે. આથી વિદ્યાર્થીઓને બસમાં ઉભા ઉભા જ મુસાફરી કરવી પડે છે. વિદ્યાર્થીઓ કહે છે કે, કન્સેશન પાસ હોય એનો મતબલ એવો નથી કે અમારી ઘોર ઉપેક્ષા કરવી. અમારે પણ બસમાં બેસીને મુસાફરી કરવી હોય છે. પણ બસમાં ઘેટા બકરાની જેમ જ ભરેલા હોય ઉભા રહેવાની માંડ જગ્યા મળે ત્યાં બેસવાની અપેક્ષા રાખવી વ્યર્થ છે. આ અંગે એસટી તંત્રને અનેક વખત રજુઆત કરી છે. પણ કોઈ ધ્યાન આપતું નથી. ત્યારે ન કરે નરાયણ ને બસમાં વધુ વિદ્યાર્થીઓથી હોવાથી કોઈ ઉચ-નીચ થઈ જાય તો જવાબદારી કોની ? તેવો વિદ્યાર્થીઓએ વેધક સવાલ ઉઠાવ્યો છે.