માતના મઢે દર્શન કરવા જતાં પરિવારને ગોઝારો અકસ્માત નડ્યો
મોરબી : મોરબી – કચ્છ હાઈવે ઉપર બહાદુરગઢ ગામના પાટિયા પાસે માતાના મઢે દર્શન કરવા જતા સાયલના ધારા ડુંગરી ગામના પરિવારની બોલેરો ગાડી આડે અચાનક ડીવાઈડરની કટ્ટમાંથી ટેન્કર આવતા અકસ્માત સર્જાતા આ અકસ્માતમાં એક બાળકીનું મોત નીપજ્યું હતું અને છ વ્યક્તિઓને ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ધારા ડુંગરી ગામના રોહિતભાઈ વરસંગભાઈ ઉગ્રેજાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.30 સપ્ટેમ્બરના રોજ તેઓ પરિવાર સાથે માતાના મઢ ખાતે દર્શને જતા હતા ત્યારે મોરબી – કચ્છ હાઈવે ઉપર બહાદુરગઢ ગામના પાટિયા પાસે અચાનક ટેન્કર નંબર જીજે – 27 – વી – 3619 ડિવાઈડરની કટ્ટમાંથી આડું ઉતરતા તેમની બોલેરો કાર સાથે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રોહિતભાઈની 9 વર્ષની પુત્રી જાગૃતિનું ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે રોહિતભાઈ, તેમના પત્ની કુમાબેન, માતા રતનબેન, દીકરા ગણેશ, દીકરી અસ્મિતા અને ભાભી રેવુબેનને ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ટેન્કર ચાલક વાહન રેઢું મૂકી નાસી જતા અકસ્માતના આ બનાવ અંગે રોહિતભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
