આરએફઓએ નીલગાયના માસ અને ગાડી સાથે કાજરડા ગામેથી આરોપીઓને ઝડપી લીધા
મોરબી : મોરબી તાલુકાના શનાળા ગામની સીમમા બે અલગ અલગ જગ્યાએ નીલ ગાય ઉપર બંદૂક વડે શિકાર કરી માસ સાથે માળીયા મિયાણા તરફ નાસી ગયેલા ત્રણ શખ્સોને માળીયા મિયાણા આરએફઓની ટીમે ઝડપી લઈ ગાડી કબ્જે કરી ત્રણેય વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.
માળીયા મિયાણાની આરએફઓની ટીમે મોરબીમાં અલગ અલગ જગ્યાએ બંદૂક વડે નીલ ગાયનો શિકાર કરતી ત્રિપુટી જલાઉદ્દીન હારુનભાઈ કાજેડીયા, તૈયુબ જલાઉદ્દીન કાજેડીયા અને સિકંદર સલીમ માણેક નામના ત્રણ શખ્સોને માળીયાના કાજરડા ગામેથી ફોર વ્હીલ ગાડીમાં નીલ ગાયના માસ સાથે ઝડપી લીધા હતા અને વેટરનરી ડોકટર પાસે માસની ખરાઈ કરાવતા માસનો આ જથ્થો નીલ ગાયનો જ હોવાનો રિપોર્ટ આપતા વન વિભાગે ત્રણેય આરોપીઓની વિરુદ્ધ વન્ય કાયદા મુજબ કાર્યવાહી કરી હતી. ત્રણેય આરોપીઓએ વન વિભાગ સમક્ષ કબુલ્યું હતું કે, મોરબીના શનાળા ગામની સીમમાં જુદી જુદી બે જગ્યા ઉપર નીલગાય ઉપર જામગરી બંદૂક વડે ફાયરિંગ કરી શિકાર કરી માસ તેમજ અન્ય અવશેષો લઈ નાસી ગયા હતા. બનાવ અંગે વન વિભાગે પોલીસ ફરિયાદ નોંધાવવા પણ તજવીજ શરૂ કરી છે.
