રાજપૂત કરણી સેનાએ સ્થાનિક કક્ષાએથી માંડીને મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી રજુઆત કરી
મોરબી : મોરબી તાલુકાના મધુપુર ગામે આવેલી ધોરણ 6 થી 8ની શાળા અન્ય ગામની શાળા સાથે મર્જ કરી દેવાતા ગ્રામજનો અને વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ અંગે રાજપૂત કરણી સેનાના મોરબી જિલ્લા પ્રમુખ જયદેવસિંહ જાડેજાએ જિલ્લા કલેક્ટર, ટીપીઓ એટલે સ્થાનિક કક્ષાએથી માંડીને મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી રજૂઆત કરી છે અને ફરી અભ્યાસ ચાલુ ન થાય ટોબટીપીઓ ઓફિસનો ઘેરાવ કરાશે તેવી ચીમકી આપી છે.
રાજપૂત કરણી સેના દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરબીના મધુપુર ગામમાં પહેલા ધોરણ 1 થી 8નો અભ્યાસ ચાલતો હતો પરંતુ રાજકીય ઈશારે મધુપુર ગામની શાળામાં છેલ્લા બે વર્ષથી માત્ર ધોરણ 1 થી 5 સુધીનો જ અભ્યાસ ચાલુ રાખ્યો છે. ધોરણ 6 થી 8નો અભ્યાસ બંધ કરી અન્ય શાળા સાથે મર્જ કરી દેવામાં આવી છે. જેથી મધુપુર ગામના વિદ્યાર્થીઓના નામ બીજા ગામની શાળામાં ચડાવી દેવામાં આવ્યા છે. જેના કારણે ગામના અંદાજે 40 થી 50 જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને દરરોજ અપડાઉન કરવું પડી રહ્યું છે જેથી વિદ્યાર્થીઓને ઘણી તકલીફ પડી રહી છે. તેથી દિવાળી પછી શરૂ થતા નવા સત્રમાં મધુપુર ગામની શાળામાં પહેલાની જેમ રાબેતા મુજબ ધોરણ 1 થી 8નો અભ્યાસ ચાલુ કરાવવામાં આવે. જો આ અંગે સરકાર યોગ્ય પગલાં નહીં ભરે તો સમસ્ત ગામ તેમજ રાજપૂત કરણી સેના ટીપીઓ ઓફિસનો ઘેરાવ કરશે તેમ ચીમકી ઉચ્ચારી છે.