મોરબી : મોરબી જિલ્લામાં બગથળા ગામ શિક્ષણ ક્ષેત્રે મોખરે છે. બે દાયકા પૂર્વે વધુ વસ્તી ધરાવતા આ ગામે 100 ટકા શિક્ષણનો લક્ષ્યાંક હાસિલ કર્યો છે. આ ગામને શિક્ષણ આપવામાં શાળાના પૂર્વ આચાર્ય મગનલાલ રાઘવજીભાઈ પંડ્યાનો સિંહફાળો છે.આથી ગુરુનું આ ઋણ ઉતારવા અને તેમની યાદગીરી કાયમ જળવાઈ રહે તે માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તેમની પ્રતિમા શાળાના પ્રાંગણમાં મૂકી છે.
બગથળા ગામે મગનલાલ રાઘવજીભાઈ પંડ્યા વર્ષ ૧૯૫૭ થી ૧૯૭૫ સુધી બગથળા તાલુકા શાળાના આચાર્ય તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી તેઓ કડક અનુશાસનના આગ્રહી, સમય પાલનમાં માનનાર, કર્મનિષ્ઠ આદર્શ શિક્ષક હતા. બગથળા ગામને શિક્ષણ અને કેળવણીના પાયાના કર્મવીર હતા તેઓ બગથળાને ભેજાવાળું ગામ બનાવવામાં અભૂતપૂર્વ ફાળો આપ્યો હતો આજુબાજુના ગામોની તાલુકા શાળાનો વહીવટ તેમના દ્વારા જ થતો હતો તેઓએ બગથળા પોસ્ટની કામગીરી સરસ રીતે બજાવી હતી નકલંક મંદિરમાં નિવૃત્તિ બાદ વ્યવસ્થાપક તરીકે ઉમદા ફરજ નિભાવી હતી તેઓને રાજ્યપાલ દ્વારા આદર્શ શિક્ષક તરીકેનો પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો. આવા કર્મનિષ્ઠ આચાર્યની કાયમી સ્મૃતિ રૂપે તથા ભવિષ્યના શિક્ષકો અને ગામ લોકો તેમજ વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડવા માટે તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વેલજીભાઈ ટી કોરવાડિયા, ડો. અનિલભાઈ એન પટેલ દ્વારા પ્રતિમા તૈયાર કરાવી તાલુકા શાળાના પ્રાંગણમાં અનાવરણ કરવામાં આવ્યું હતું.


