માળિયા (મિયાણા) : લાકડીયા-અમદાવાદ વીજ લાઈન મુદ્દે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો અને વીજ કંપની વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. વળતર સહિતના મુદ્દે ખેડૂતો વીજ કંપની સામે લડત ચલાવી રહ્યા છે ત્યારે આજે માળિયાના ખાખરેચી ગામે ખેડૂતો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. આ આંદોલનમાં કોંગ્રેસના ટંકારા-પડધરીના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મનોજભાઈ પનારા, ખેડૂત નેતા પાલભાઈ આંબલિયા, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા સહિતના આગેવાનો પણ આ આંદોલનમાં જોડાયા હતા.

સરકાર દ્વારા પાવરગ્રીડ ખાવડા ||-બી ટ્રાન્સમિશન લી. ને ૭૬૫ કે.વી. લાકડીયા-અમદાવાદ ટ્રાન્સમિશન લાઈન મોરબી જીલ્લાના માળીયા તથા હળવદ તાલુકામાંથી પસાર થાય છે. જેમાં ખેડુતોને કોઈ પણ પ્રકારનું વળતર ચુકવ્યા વિના બળજબરી પૂર્વક તથા ખેડુતોને સાંભળ્યા વિના કામ કરવામાં આવી રહ્યું છે. જેમાં પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું યોગ્ય વળતર ચુંકવ્યા વિના કરવામાં આવી રહેલ કામમાં ખેડુતો ઉપર અન્યાય કરવામાં આવી રહ્યો છે. જેથી ખેડુતોના ન્યાય માટે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા આ કામ તાત્કાલીક ધોરણે અટકાવવા માંગ સાથે ખેડૂતોને સાથે રાખી આજે માળિયાના ખાખરેચી ગામ ખાતે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો.
