મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર લાલપર નજીક અજાણ્યા કાર ચાલકે રસ્તો ઓળંગી રહેલ પરિણીતાને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા પરિણીતાનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી કાર ચાલક નાસી ગયો હતો.
મોરબીના લાલપર ગામે રહેતા જયેશભાઈ રાઘવજીભાઈ આઘારાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તા.23ના રોજ સવારના દસેક વાગ્યે તેમના માતા શારદાબેન તથા જયેશભાઈના પત્ની ઉર્વીશાબેન નેશનલ હાઇવે ઉપર સીરામિક સીટીના ગેઈટ સામે રીક્ષામાં બેસવા માટે રસ્તો ઓળંગતા હતા ત્યારે અજાણ્યા કાર ચાલકે ઉર્વીશાબેનને હડફેટે લઈ અકસ્માત સર્જાતા તેઓ રોડ ઉપર પડી જતા ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટનામાં કાર ચાલક અકસ્માત સર્જી નાસી ગયો હતો. બનાવ અંગે જયેશભાઈની ફરિયાદને આધારે તાલુકા પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.