ટંકારા તાલુકાના હડમતીયા ગામે મોટર સાયકલ ચલાવવા બાબતે સાળા અને બનેવી વચ્ચે ઝઘડો થતા બથોબથ આવેલા બનેવીએ સાળાને તેમજ સાળાએ બનેવીને લાકડાના ધોકા ફટકારવા અંગે સામસામી ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા વિજય બચુભાઈ સોલંકીએ બનેવી વિનોદ હસમુખભાઈ વાઘેલા, જીગ્નેશ હસમુખભાઈ વાઘેલા અને સુરેશ ગુલશનભાઈ ચાવડા રહે. તમામ ટંકારા વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, ફરિયાદી વિજયભાઈ ઘર પાસે હતા ત્યારે આરોપી બાઈક લઈને નિકળા હતા અને પોતે સાઈડમાં હોવા છતાં સાઈડમાં ઉભા રહેવાનું કહી ઝઘડો કરી બનેવી વિનોદભાઈએ લાકડાંનો ધોકો ફટકારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.
જ્યારે સામાપક્ષે ફરિયાદી હરજીભાઈ ઉર્ફે વિનોદભાઈ હસમુખભાઈ વાઘેલાએ તેમના સાળા એવા વિજયભાઈ બચુભાઈ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે તેઓ મિત્રો સાથે બાઈક લઈને જત હતા ત્યારે તેમના સાળા વિજયે બાઈક સરખું ચલાવવા કહી ગાળો આપી લાકડી વડે માર મારી હવે પછી સામે આવતો નહિ કહી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસે સામસામી ફરિયાદ લઈ તપાસ શરૂ કરી છે.