Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiવિદ્યાર્થી તરીકે કેળવવા જેવો એક ગુણ જે હંમેશા તમને તમારી કારકિર્દી તરફ...

વિદ્યાર્થી તરીકે કેળવવા જેવો એક ગુણ જે હંમેશા તમને તમારી કારકિર્દી તરફ અગ્રેસર બનાવશે

વિદ્યાર્થી તરીકે જર્નલ લખવાની ટેવ તમને ફાયદો કરાવશે

(લેખ: વિશાલ બરાસરા): જર્નલ, નોંધપોથી, ડાયરી આ બધા જ શબ્દો તમારા રોજિંદા ક્રમને લખી રાખવાની ટેવને દર્શાવે છે. ઘણા લોકોને આવી ટેવ હોય છે. કોઈને પોતાના રોજિંદા જીવનમાં બનતા કિસ્સાઓ નોંધવાનું પસંદ હોય છે તો કેટલાક લોકો પ્રવાસે ગયા હોય ત્યાંનો અનુભવ લખી રાખવાનું પસંદ કરે છે. જોકે વિદ્યાર્થી તરીકે તમને દરરોજ જેટલું ભણો છો એટલું બધુ જ લખી રાખવાની ટેવ છે તો તમે ચોક્કસપણે ફાયદામાં છો. વિદ્યાર્થી તરીકે જર્નલ લખવાની ટેવ તમને અભ્યાસક્રમ યાદ રાખવામાં મદદ કરી શકે છે, સાથે તમે નોંધી રાખેલી બાબત આગળ જતા જીવનના પડકારોનો સામનો કરવા માટે અને તે ઉપરાંત યાદગીરી રૂપે પણ કામ લાગી શકે છે.

યુનિવર્સિટી ઓફ રોચસ્ટર મેડિકલ સેન્ટરનું એક વાક્ય છે : “તમારા વિચારોને પેન વડે કાગળ પર ઉતારી લેવાથી મગજને આરામ, ચિંતામાંથી મુક્તિ અને ડિપ્રેશનનો સામનો કરવામાં મદદ મળે છે જેના કારણે તમે જીવનનો પૂરતો આનંદ લઈ શકો છો.” જીવનમાં ઘણીવાર આપણને મૂંઝવણ હોય છે. તેમાં પણ વિદ્યાર્થી તરીકે તો ખાસ ધણા બાળકો પોતાના અભ્યાસને લઈને મૂંઝાયેલા જોવા મળે છે. એવા સમયે તમારા મગજમાં વિચારોને કાગળ પર ઉતર્યા પછી તેનું અન્વેષણ કરવામાં આવે તો નિર્ણય લેવામાં સરળતા રહે છે. તમારી રોજિંદા પ્રવૃત્તિની નોંધ લેવાની ટેવ તમારો આત્મવિશ્વાસ વધારે છે. તમે કોઈપણ બાબતને કાગળ પર લખી રાખી હોય, તો સૌપ્રથમ તમારે એ વાતને યાદ રાખવાની જરૂર નથી પડતી. સાથે જ દિવસભર તમારે શું કરવાનું છે એ વાતો તમે સાચવીને યાદ કરી લખી રાખી હશે તો તમારો સમય યોગ્ય જગ્યાએ આપી શકશો. સમયસર કોઈપણ કામ પતે એટલે આત્મવિશ્વાસમાં વધારો તો થાય જ છે, સાથે જ અનુશાસન પણ કેળવાય છે. વિદ્યાર્થી જીવન દરમિયાન આ બંને વસ્તુ તમારા કામની છે. માટે શરૂઆતથી જ લખી રાખવાની ટેવ પાડો. એવું જરૂરી નથી કે તમે જીવનમાં ચાલતી બાબતોની જ નોંધ રાખો, તમારા અભ્યાસક્રમમાં શું યાદ કરવાનું બાકી છે, કેટલુ તમને યાદ રહ્યું છે અને કેટલો અભ્યાસક્રમ તમને ચોકસાઈપૂર્વક પરીક્ષામાં લખી શકો એમ છો આ બાબતો પણ રોજિંદા ધોરણે નોંધ કરી શકાય. કપરો સમય ચાલતો હોય તેવા વખતે ઘણીવાર વ્યક્તિ અંદરથી તૂટી જાય છે. જો તમને જર્નલ લખવાની ટેવ છે. તો આવા સમયે તમે ખુદને સેલ્ફ મોટિવેટ કરી શકો છો. ભૂતકાળમાં કઈ રીતે તમે આપબળે મુસીબતોનો સામનો કર્યો છે, તેના કિસ્સા વાંચીને તમારું આત્મબળ વધારી શકાય છે. પણ એ માટે નોંધ રાખેલી હોવી જરૂરી છે. ઘણીવાર વિદ્યાર્થી પણ કોઈ અન્ય સફળ થયેલા વ્યક્તિના વિદ્યાર્થી જીવન વખતના કિસ્સા વાંચે તો તેને પોતાની ભૂલો સમજવામાં મદદ મળે છે. ઉપરાંત કોઈની નોંધ વાંચીને ભૂલ કરવાથી બચી તો શકાય જ છે, સાથે જ ભૂલ થઈ હોય તો તેને સુધારવામાં પણ મદદ મળે છે. વિદ્યાર્થી તરીકે જ્યારે તમે કોઈ પણ વસ્તુ લખીને યાદ કરો તો એ તમને લાંબા ગાળા સુધી યાદ રહે છે. નાનપણમાં શિક્ષક ભૂલની સજા રૂપે પાંચ વાર લેસન કરીને આવવાનું કહેતા, એ પાછળ પણ આ જ કારણ રહેલું છે. જેટલું તમને લખશો, એટલી જ વધારે સરખી રીતે તમારા મગજમાં વાત બેસી જશે. એકસાથે દસ બાર પાના લખી નાખવા પણ યોગ્ય નથી. કારણ કે મગજની યાદ રાખવાની એક ચોક્કસ ક્ષમતા હોય છે. માટે રોજિંદા થોડું થોડું કરીને લખી રાખવાની ટેવ તમને આમા મદદરૂપ થઈ શકે છે.

વિદ્યાર્થી તરીકે ક્રિટીકલ ચિંકિંગ એટલે કે ઉંડાણપૂર્વક વિચાર કરવો એ અતિ આવશ્યક બાબત છે. પણ ઘણીવાર તેમાં અમુક બાબત છૂટી જાય છે. તેવું ન થાય એ માટે હમેશા તમને યાદ આવતી નાની વાતો પણ લખી રાખવાની ટેવ પાડો. આવું કરવાથી કોઈ પણ મુદ્દો છૂટવાનો ડર નથી રહેતો અને નિશ્ચિતપણે તમે વિચારોના ઘોડા દોડાવી શકો છો. જર્નલ ઓફ નર્સિંગ એજ્યુકેશનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે કે જર્નલ લખવાથી વિદ્યાર્થી અને શિક્ષક બંનેને ઊંડાણપૂર્વક વિચારવાનું કૌશલ્ય વિકસાવવા માટે મદદ મળે છે.

યાદશક્તિ, ઊંડાણપૂર્વક વિચારવાની શક્તિ અને મજબૂત મનોબળ કેળવાય એટલે વિદ્યાર્થી પરીક્ષામાં તો સફળ થઈ જ શકે છે. સાથે કેટલાક નિષ્ણાતોના મત મુજબ શારીરિક સ્વાસ્થ્ય સુધારવામાં પણ જર્નલ એટલે કે નોંધ રાખવાની ટેવ મદદરૂપ નીવડે છે. પોતાના વિચારો કોઈની પણ સામે રજૂ ન કરી શકતો વ્યક્તિ જ્યારે તેને કાગળ પર લખી નાખે છે ત્યારે બ્લડ પ્રેશર કાબુમાં રહેવુ અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો જેવા ફેરફાર થાય છે. જો આપણે જર્નલ લખવાના આ ફાયદાને અવગણીએ તો પણ હજી એક ફાયદો બચે છે. રોજિંદા તમે તમારા વિચારો લખવાની ટેવ પાડશો, તો આગળ જતાં આ ટેવ તમને ખૂબ સારા લેખક બનાવી શકે છે. જે વ્યક્તિ પોતાના વિચારો યોગ્ય રીતે રજૂ કરી શકે, તે જ સમાજના વિચાર દુનિયા સમક્ષ મૂકી શકે છે. સાથે જ તમારી કમ્યુનિકેશન સ્કીલમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળશે. વિદ્યાર્થી જીવન દરમિયાન કેળવેલી જર્નલ લખવાની ટેવ, તમને સારી નોકરી મેળવવામાં તો મદદરૂપ થશે જ, સાથે જીવનમાં આગળ જતા સફળતા અને સુખની કેડી પણ કંડારી આપશે.

વિશાલ બરાસરા,
સંચાલક, પુરુષાર્થ ક્લાસિસ.
બ્રાંચ: અવની ચોકડી | બોની પાર્ક | આલાપ રોડ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments