પ્લેનની ટીકીટ બુક કરવાને નામે અલગ અલગ વ્યક્તિઓ પાસેથી પૈસા લઈ ગઠિયો રફુચક્કર
મોરબી : રાજકોટના કૈલાસ પાર્કમાં રહેતા અને મોરબીમાં ઓફસેટનો વ્યવસાય ધરાવતા હિતેન્દ્રભાઈ દેવજીભાઈ પડસુંબીયા સાથે રાજકોટના સંદીપ ધીરુભાઈ મેઘાણી ઉર્ફે સંજય પટેલે હરિદ્વાર અને નૈનિતાલ ટુર પેકેજના નામે ઠગાઈ કરતા રાજકોટ યુનિવર્સિટી પોલીસમાં ૪.૩૦ લાખની છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાઇ છે.
મોરબીના વેપારીએ ફરિયાદમાં જાહેર કર્યું હતું કે, વર્ષ ૨૦૧૭માં ગણેશ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંજય પટેલ હસ્તક તેઓ નેપાળ ફરવા ગયા હતા ત્યારે પરિચય થયો હતો.જેથી હવે નૈનીતાલ અને હરિદ્વાર ફરવા જવું હોય અમે છ ફેમિલી હોય તેનો સંપર્ક કરતાં માર્ચ મહિનામાં સાધુ વાસવાણી રોડ પર ગઠિયા સંજયની બેઠક હોય ત્યાં મળવા ગયા હતા ત્યાં પોતે બસ, ફ્લાઈટ, હોટલની માહિતી આપી પોતે પણ ટુરમાં સાથે આવશે તેવી વાત કરી હતી અને બસ, હોટલના ફોટો મોબાઈલમાં દેખાડયા હતા.
બાદમાં મોરબીના ઓફસેટના વેપારીએ તા. ૧૫ મે ૨૦૨૦૪ના રોજ ફરવા જવાનું નક્કી કરી ફ્લાઈટની ટિકિટ માટે પૈસા માંગતા તેઓએ પોતાના ખાતામાંથી સંજય પટેલએ જણાવેલ ખાતામાં ૫૦ હજાર, તેમના મિત્રો કિરીટભાઈ દેવજીભાઈ પટેલએ ૫૦ હજાર, ભરતભાઈ કાનજીભાઈ પટેલએ ૪૫ હજાર, ધર્મેશકુમાર હિંમતલાલ ભિમાણીએ ૪૫ હજાર, પરેશ ચમનભાઈ દૂધાગરાએ ૬૦ હજાર અને અનિલ દેવજીભાઈ અધારાએ ૬૦ હજાર મળી અમે કુલ ૩.૧૦ લાખ જમા કરાવ્યા હતા. બાદમાં સંજય પટેલએ જિમ કોર્બેટ નેશનલ પાર્ક અને સાઈડ સીન માટે વધુ દોઢ લાખ રૂપિયા આપવા પડશે તેમ કહેતા ફરિયાદી સહિતના બધા લોકોએ વધુ ૨૦- ૨૦ હજાર મળી ફરી ૧.૨૦ લાખ ભર્યા હતા કુલ ૪.૩૦ લાખ ભરપાઈ કર્યા પછી ફ્લાઈટની ટિકિટ મંગાવતા તે ખોટા વાયદાઓ આપતો હતો અને ૧૨ મેના રોજ ટિકિટ તમને મળી જશે તેમ કહ્યું હતું બાદમાં ફોન કરતાં તેનો ફોન પણ સ્વિચ ઓફ આવતો હોય અત્યાર સુધી તેની શોધખોળ કરતા હતા. પરંતુ કોઈ પતો નહી લાગતા અંતે પૈસા પડાવી લઈ ટુર નહીં આપી છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાવી હતી.