કોઈપણ જાતની ડીગ્રી વગર દર્દીઓને લૂંટતા મુન્નાભાઈના દવાખાનામાંથી 1,36,483ની દવાનો જથ્થો કબ્જે કરાયો
મોરબી : મોરબી જિલ્લામાં નકલી તબીબો ઉપર તવાઈ ઉતરી છે ત્યારે ટંકારા પોલીસે બંગાવડી ગામે દરોડો પાડી લાંબા સમયથી કોઈપણ જાતની ડીગ્રી વગર દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી એલોપથી દવા આપી રહેલા મૂળ ટંકારાના જબલપુર ગામના ઘોડા ડોક્ટરને ઝડપી લઈ મેડિકલ પ્રેક્ટિશનર એકટ અન્વયે કાર્યવાહી કરી 1.36 લાખથી વધુ કિંમતની દવાઓનો જથ્થો કબ્જે કરતા ટંકારા તાલુકામાં પ્રેક્ટિસ કરતા નકલી તબીબોમાં ફફડાટ મચી ગયો છે અને કઈ કેટલાય ઝોલાછાપ તબીબોએ તો પોતાના હાટડા પણ સંકેલી લીધાનું સામે આવ્યું છે.
ટંકારા તાલુકામાં કોઈપણ જાતની ડીગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા ઉચકક્ષાએથી છૂટેલા આદેશ બાદ ગઈકાલે ટંકારા પોલીસે બંગાવડી ગામે ટીંબડી – રસનાળ રોડ ઉપર દિશા પાનની દુકાનની બાજુમાં આવેલ ડો.જે.કે.ભીમાણીના દવાખાનામાં દરોડો પાડી તપાસ કરતા ડોકટર બનીને બેઠેલા આરોપી જયકીશન કાંતિભાઈ ભીમાણી ઉ.32 રહે.ઇન્દ્રપ્રસ્થ -5 ટંકારા, મૂળ રહે.જબલપુર વાળા પાસે કોઈપણ જાતની ડીગ્રી ન હોવા છતાં પણ એલોપથી મેડિકલ પ્રેક્ટિસ કરી બીમાર દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હોવાનું સામે આવતા ટંકારા પોલીસે આરોપીના દવાખાનામાંથી 1,36,483ની અલગ અલગ દવાઓ તેમજ સારવારના સાધનો કબજે કરી મેડિકલ પ્રેક્ટિશનર એકટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
