મોરબીના ઘુંટુ ગામે કેમિકલ ઠાલવવા આવેલ હોય જે ગ્રામજનોએ ઝડપી પાડ્યા બાદ ગ્રામજનોએ આ મામલે કડક કાર્યવાહીની માંગ સાથે લડત આપી હતી. અંતે ગ્રામજનોની મહેનત રંગ લાવી છે. જીપીસીબીએ આ કેમિકલ સાથે સંકળાયેલ ફાર્મા કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી છે. આ સાથે કંપનીનું લાઈટ કનેક્શન પણ કાપી નખાયું છે.
મોરબીના ઘુંટુ ગામમાં કેમિકલયુક્ત ઠલવાઈ રહેલા ટેન્કરને ગ્રામજનોએ ઝડપીને પોલીસને સોંપ્યું હતું. જો કે બાદમાં પોલીસે આ ટેન્કર ચાલક અને ટેન્કરને છોડી મૂક્યા હોય ગ્રામજનોમાં રોષ ભભુકી ઉઠ્યો હતો. બાદમાં ગ્રામજનોએ જીપીસીબીની ઓફિસે પહોંચી ઉગ્ર રજૂઆતો પણ કરી હતી. બાદમાં જીપીસીબીએ ઊંચી માંડલ નજીક આવેલ ક્રિસાન્જ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં તપાસ પણ હાથ ધરી હતી. જ્યાંની પ્રોડક્ટ અને કેમિકલ મેચ થતા હોવાનું જણાઈ આવ્યું હતું તો કોઈ રેકોર્ડ પણ મળી આવ્યો ન હતો. સાથે સીસીટીવી કેમેરા પણ ન હતા. જેથી જીપીસીબીએ આ કંપનીને ક્લોઝર નોટિસ આપી છે. આ સાથે પીજીવીસીએલે કંપનીનું વીજ કનેક્શન કાપી નાખ્યું હોવાનું અધિકારી પાસેથી જાણવા મળ્યું હતું.