મોરબી જીલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા સમાજને જોગ અપીલ કરવામાં આવી છે જેમાં આંદોલનમાં અનિષ્ટ તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ થાય તેવી ભીતી હોવાનું જણાવીને મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ અને મહામંત્રીએ સમાજને શિસ્તબદ્ધ રહેવા અને કાયદો હાથમાં ન લેવા અપીલ કરી છે.
મોરબી જિલ્લા રાજપુત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ જાડેજાએ જણાવ્યું છે કે અત્યાર સુધી લોકશાહીની ઢબે ચાલી રહેલા ક્ષત્રિય નારી અસ્મિતા આંદોલનને કોઈ અનિષ્ટ તત્વો દ્વારા શાંતિ ડહોળવાના પ્રયાસ થાય તેવા રસ્તે લઈ જવાની ભીતિ છે. આગામી લોકસભા ચૂંટણીના સમયગાળા દરમિયાન કોઈપણ રીતે રાજપૂત સમાજની બદનામી થાય તેવા કૃત્યો કરવાની હિતશત્રુઓની તૈયારી હોવાનું જાણવા મળેલ છે.
જેથી આવું કંઈ ન બને, રાજપૂત સમાજના આંદોલનને નામે આવું ન ચડે, તે માટે આપણે તારીખ ૭ ના રોજ ચૂંટણીમાં મતદાનને લક્ષ્યમાં રાખીને શાંતિ જાળવવાની છે. અને શિસ્તબદ્ધ રીતે રહેવાનું છે. રાજપૂત સમાજના કોઈપણ સભ્યએ કાયદો હાથમાં ન લેવો તેમજ આચાર સંહિતાનો ભંગ ન થાય તેવી રીતે લોકશાહીના પર્વની ઉજવણી કરવામાં અગ્રેસર રહેવાનું છે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય તેને કાળજી રાખવાની અપીલ કરવામાં આવી છે.




