ટંકારા : MSME ઉદ્યોગોનું દેશનું સૌથી મોટું સંગઠન એટલે લઘુ ઉદ્યોગ ભારતીના સંગઠનને ટંકારામાં કાર્યરત બનાવવા માટે ગઈકાલે તારીખ 19 મેના રોજ સવારે 11 કલાકે ટંકારાના છત્તર જીઆઈડીસી ખાતે એક સવિશેષ બેઠકનું આયોજન કરાયું હતું.
આ બેઠકમાં 50થી વઘુ સ્થાનિક ઉદ્યોગકારોએ ભાગ લીધો હતો. આ બેઠકમાં માર્ગદર્શન આપવા લઘુઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીયમંત્રી શ્યામ સુંદર સલુજા અને ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ હંસરાજભાઈ ગજેરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બંનેએ સ્થાનિક સ્તરે નડતર રૂપ વિવિધ પ્રશ્નો જેવા કે વ્યપારીઓને માલ સપ્લાય કર્યા પછી પેમેન્ટ ફસાઇ જવું, PGVCL દ્વારા વીજ સપ્લાયમાં સાતત્યતા ન જાળવવી વગેરે પ્રશ્નો ઉપર ચર્ચા કરવામાં આવી હતી અને તેના ઉકેલ માટે શ્યામ સુંદર સલુજાએ અન્ય જિલ્લાઓમાં આવા પ્રશ્નોના સમાધાન માટે અપનાવામાં આવેલ રસ્તાની માહિતી આપી હતી. વિશેષ કરીને એવા પ્રશ્નો કે જે સ્થાનિક સ્તરે ન ઉકેલી શકાતા હોય અને રાજ્ય સ્તરે ઉકેલવા પડે તેમ હોય તેમાં સંપુર્ણ રીતે સાથ સહકાર આપી સાથે રહેવાની બાહેંધરી આપી હતી. સાથો સાથ લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા અત્યાર સુધી દેશભરમાં કરવામાં આવેલ વિવિધ કાર્યોની પણ માહિતી આપવામાં આવી હતી.
ઉપરોક્ત કાર્યક્રમમાં લઘુઉદ્યોગ ભારતી– સૌરાષ્ટ્રના વિવિધ હોદ્દેદારો જયભાઈ માવાણી, અરવિંદભાઈ તળપદા, ભરતભાઈ ડાંગરીયા, જયસુખભાઈ રામાણી, દિનેશભાઈ નારીયા, જેન્તિભાઈ મુંગરા, ભીમજીભાઈ ભાલોડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંપુર્ણ કાર્યક્રમના આયોજનમાં લઘુઉદ્યોગ ભારતી– મોરબીના પ્રમુખ હરેશભાઈ બોપલીયા, મંત્રી સંદિપભાઈ કૈલા તેમજ ટંકારા સ્થિત ઉદ્યોગકારો ફાલ્ગુનભાઈ સંઘાણી અને હસમુખભાઈ દુબરિયા વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.





