ઠાકર હોટલના માલિકો અને મિત્રોએ કર્મચારીને પરિવારના સદસ્યની જેમ રાખી અંતિમ વિધિ કરી
મોરબી : મોરબીની જાણીતી ઠાકર હોટેલમાં 50 વર્ષથી કામ કરતા અપરણીત કર્મચારીનું તાજેતરમાં જ અવસાન થતાં ઠાકર હોટેલના માલિકો સહિત સમગ્ર સ્ટાફ અને નિયમિત હોટલમાં ભોજન લેવા આવતા ઘણા લોકો તેમના મિલનસાર સ્વભાવથી દોસ્ત બની ગયા હોય આ મોટી વયના કર્મચારીનું દુઃખદ નિધનથી ભારે શોક અને ઉડા આઘાતની લાગણી વ્યક્ત કરી હતી.
મોરબીની ઠાકર હોટેલમાં 50 વર્ષથી કામ કરતા બુઝુર્ગ કર્મચારી બાલાબાપાનું તાજેતરમાં અવસાન થયું હતું. બાલાબાપા પરણિત ન હોય એટલે તેમને સ્વજનો કોઈ ન હોવાથી ઝાલા પ્રદ્યુમનસિંહ ખુમાંનસિંહ (લખધીર વાસ સામાજીક કાર્યકર), રાજુભાઈ કરૂણા શંકર ઠાકર ( ઠાકર હોટલના માલિક), ભાર્ગવભાઈ મહેતા, કે.કે.જાડેજા, કિરણસિંહ જાડેજા, અનિલભાઈ ગજીયાએ રાજકોટ ખાતે આ વયોવૃદ્ધ દાદાની અશ્રુભરી અંજલિ સાથે એક સ્વજનની જેમ તેમની તમામ અંતિમવિધિ કરી હતી. આ અંગે ઝાલા પ્રદ્યુમનસિંહ ખુમાંનસિંહએ જણાવ્યું હતું કે આ બાપા પરણેલા ન હતા તેમની 80 વર્ષની વય થઈ ગઈ હતી. જો કે છેલ્લે તેમને પથરીની બીમારી હોય તેઓ ખુદ હોટેલમાંથી પૈસા લઈને સારવાર કરવા ગયા હતા. બીજે દિવસ હોટેલમાં આવ્યા ત્યારે અચાનક જ બેભાન થઈ જતા હોટલના માલિકો અને અમે બધા મિત્રો સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા.પણ ડોક્ટરે હાર્ટ એટેકથી મોત થયાનું જાહેર કર્યું હતું. આ દાદા વર્ષોથી એકલા હોય હોટલમાં રહેતા અને ત્યાંજ તેમના રહેવા જમવા કપડાં સહિત જવાબદારી ઉઠાવી હોટલના માલિકો તેમને પરિવારના સદસ્યની જેમ સાચવતા અને અમે બધા મિત્રો અવારનવાર હોટેલ જમવા જતા ત્યારે એક આપણા વડીલ હોય એમ પ્રેમભાવથી જમાડતા એટલું જ નહીં બીજા બધા ગ્રાહકોનું પણ ધ્યાન રાખીને સારી ભોજન સામગ્રી પીરસી આગ્રહ કરી કરીને લાડ પ્રેમથી જમાડતા તેમની સાથે અમારે બધાને મિત્રો જેવો ઘરોબો થઈ ગયો હતો. ઘડી બે ઘડી અલક મલકની વાતો કરી નિર્દોષ મજાક મસ્તી પણ કરતા, એમને એકલા હોવાનું દર્દ ક્યારેય લાગ્યું નથી. કારણ કે એમના મિતભાષી સ્વભાવથી તમામના પ્રિય જન બની જતા. હવે એ આ દુનિયામાં રહ્યા નથી. પણ મમતામયી માતાની જેમ લાડ લડાવતા એવો પ્રેમ હવે ક્યારેય નહી મળે તેવું વિચારીને અમે બધા મિત્રોની આંખો ભરાય આવી છે.



