


ઇન્ડિયન મેડિકલ એસો.ના નેજા હેઠળ ડોકટરોએ સૂત્રોચ્ચાર કરી આ ગંભીર અપરાધને વખોડી કાઢી આરોપીઓને કડક સજા આપવાની માંગ કરી
પં.બંગાળમાં મહિલા ડોકટર ઉપર દુષ્કર્મ ગુજારીને હત્યા કરવાના આ અપરાધના તબીબી આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.આથી આ મહિલા તબીબ ઉપર દુષ્કર્મ અને હત્યાના બનાવના વિરોધમાં મોરબીના ડોકટરોની હડતાળ પાડી હતી. ઇન્ડિયન મેડિકલ એસો.ના નેજા હેઠળ ડોકટરોએ સૂત્રોચ્ચાર કરી આ ગંભીર અપરાધને વખોડી કાઢી આરોપીઓને કડક સજા આપવાની માંગ કરી છે.
મોરબી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નેજા હેઠળ મોરબીના ખાનગી તબીબો પં. બંગાળમાં મહિલા ડોકટર ઉપર દુષ્કર્મ ગુજારીને હત્યા કરવાના ગંભીર અપરાધના વિરોધમાં આજે હડતાળ ઉપર ઉતરી ગયા હતા. જો કે તમામ તબીબોએ ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખી હતી. મહિલા ડોકટર ઉપર દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં ડોકટરોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે, એક ડોકટર અને એ પણ મહિલા ડોકટર ઉપર એવો ગંભીર અપરાધ થાય તે બનાવ ખૂબ જ દુઃખદાયી છે. આ બનાવથી મહિલા ડોકટરો તેમજ મહિલાઓ સુરક્ષિત નથી એ સાબિત થાય છે. જે દેશમાં નારી પૂજનીય હોય એ દેશમાં નારી ઉપર આવા અત્યાચારને કોઈ કાળે સાંખી નહિ લેવાય, ભલભલા ચમરબંધીને ન છોડી આ બનાવમાં પીડિત પરિવારને તેમજ સમગ્ર દેશની મહિલાઓને સુરક્ષા પુરી પાડી આરોપીઓને દાખલારૂપ સજા કરવાની માંગ કરી છે.