


આજે રક્ષાકવચ બાંધી હવે પછી હેલ્મેટ ન પહેરે તો કાયદેસરની કાર્યવાહી કરવાની તાકીદ કરી
મોરબી : ભાઈ બહેનને સ્નેહનો પવિત્ર તહેવાર રક્ષાબંધન નજીક આવી રહ્યો હોય ત્યાઈ મોરબી જિલ્લા ટ્રાફિક બ્રિગેડએ આ તહેવાર માત્ર ભાઈ બહેન પૂરતો જ નહીં પણ હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકોની સલામતી માટે જાગૃતિ આવે તેવા ઉદેશ્યથી એક બંધન એસા ભી નામ આપી લોકો હેલ્મેટ પહેરતા થાય તેવો મેસેજ આપ્યો છે. જેમાં આજે પોલીસે તમામ વાહન ચાલકોને હેલ્મેટ ન પહેરવા બદલ રક્ષા સૂત્ર બાંધી આજે રક્ષાકવચ બાંધી હવે પછી હેલ્મેટ ન પહેરે તો કાયદેસરની કાર્યવાહી કરવાની તાકીદ કરી હતી.
મોરબી એસપી રાહુલ ત્રિપાઠીના નેજા હેઠળ જિલ્લા ટ્રાફિક બ્રિગેડના પીઆઇ છાસિયા અને તેમની ટિમ ઘણા સનયથી તમામ વાહન ચાલકો માર્ગ અકસ્માતથી બચે અને તેમની સલામતી જળવાઈ રહે તેના ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરી આ દિશામાં કાર્યવાહી કરી રહ્યા છે. ત્યારે એસપી રાહુલ ત્રિપાઠીની સૂચનાથી ટ્રાફિક પીઆઇ છસિયા અને તેમની ટ્રાફિક બ્રિગેડએ લોકો હેલમેટ પહેરે તે માટે અનોખી ઝુંબેશ ચાલવી હતી.ટ્રાફિક પીઆઇ છસિયાએ કહ્યું હતું કે, લોકો હેલ્મેટ ન પહેરીને બેફિકર રહે છે. તેમને મનમાં અકસ્માતનો જરાય ડર હોતો નથી. તેમની સલામતીની પરવા હોતી નથી. આથી અકસ્માતના બનાવ વધુ બને છે. જો લોકો ટ્રાફિકના નિયમોનું ખુદ જ પાલન કરે તો તેની સલામતી અને ખાસ તો તેની ઘરે રાહ જોતો પરિવાર સુખી રહે, પણ લોકો ટ્રાફિકનું પાલન કરતા ન હોય અને ખાસ તો હેલ્મેટ પહેરતા જ ન હોય એટલે તેમની સલામતી ખાતર પોલીસે આજે એક અનોખું રક્ષાબંધન પર્વ ઉજવ્યું હતું. જેમાં હેલમેટ વગર નીકળતા લોકોને રક્ષકવચ બાંધીને હેલ્મેટ પહેરવા સમજાવ્યા હતા અને માનવ જિંદગી કેટલી મૂલ્યવાન છે ખાસ તો તેમની જિંદગી તેમની પોતાની નહિ પણ પરિવારની હોય તેવું સમજાવીને હવે પછી હેલ્મેટ ન પહેરે તો કાયદાકીય જોગવાઈ મુજબ કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવું જણાવ્યું હતું.