


મોરબી : મોરબી જિલ્લામાં સરકારી કર્મચારીઓને ઓફિસમાં હાજર રહેવાને બદલે ગુટલી મારવી વધુ પસંદ હોય તેવી સ્થિતિ વચ્ચે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વમાં પાંચ અધિકારીઓએ ગેરહાજર રહ્યા બાદ મંગળવારે જિલ્લા કલેકટરે નગરપાલિકામાં બપોરના સમયે સરપ્રાઈઝ ચેકીંગ કરતા એક, બે નહીં પણ 20 ગુટલીબાજ કર્મચારીઓ ઝપટે ચડી જતા તમામને શોકોઝ ફટકારી ખુલાસા પૂછવામાં આવ્યા છે.
મોરબી શહેરના લોકોના નગરપાલિકાને લગત પ્રશ્નો સાંભળવા અને તેનો નિકાલ કરાવવા બાબતે જિલ્લા કલેકટર કિરણ ઝવેરી દ્વારા દર મંગળવારે સવારે નગરપાલિકા ખાતે જવાનું નક્કી કરેલ હોય મંગળવારે સવારના અનિવાર્ય કારણોસર ન જઈ શકેલ અને અચાનક બપોરના 3 વાગ્યે નગરપાલિકાની મુલાકાત લીધી હતી અને પાલિકાના દરેક વિભાગની ચકાસણી કરતા કુલ 20થી વધુ ગુટલીબાજ કર્મચારી ગેરહાજર હોવાનું ધ્યાન પર આવતા જિલ્લા કલેકટર દ્વારા તમામ ગુટલીબાજ કર્મચારીઓને નોટિસ આપી કયા કારણોસર ગેરહાજર રહેલ તેનો ખુલાસો પૂછવામાં આવ્યો છે.