કલેક્ટરશ્રીએ વરસાદ બાદ હવે આયોજનબદ્ધ કામગીરી કરવા સ્થળ પર અધિકારીઓની જરૂરી સૂચનાઓ આપી
મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ હાલ ધીરે ધીરે સ્થિતિ પૂર્વવત થઈ રહી છે. મચ્છુ નદીમાં આવેલા પૂરને પગલે સૌથી વધુ અસર માળીયા પંથકમાં થઈ છે ત્યારે જિલ્લા કલેક્ટર શ્રી કેબી ઝવેરીએ માળીયા શહેરમાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પરિસ્થિતિનું નિરીક્ષણ કરી જરૂરી સમીક્ષા કરી હતી.
મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લીધો છે. જેથી જિલ્લા વાસીઓની સાથે વહીવટી તંત્ર એ પણ રાહતનો શ્વાસ લીધો છે. હવે વરસાદ બાદ જનજીવન પૂર્વવત બની રહે તે માટે જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે હાલ કલેક્ટરશ્રીએ મોરબી જિલ્લામાં માળીયા પંથકના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ સ્થળ પર જઈ પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું ઉપરાંત ઉપસ્થિત નાગરિકો સાથે સંવાદ કરી તેમની સમસ્યાઓ જાણવાનો પણ પ્રયત્ન કર્યો હતો. કલેક્ટરશ્રીએ લોકોને વહીવટી તંત્ર દ્વારા જોઈતી તમામ પ્રકારની મદદ કરવામાં આવશે તેવી સાંત્વના પણ આપી હતી.
આ મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રી સાથે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી સંદીપ વર્મા, મોરબી આસિસ્ટન્ટ લેબર કમિશનરશ્રી જયદીપસિંહ જાડેજા, માળીયા મામલતદારશ્રી કે.વી. સાનિયા સહિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


