
મોરબી : ગણેશ મહોત્સવ બાદ મૂર્તિઓના વિસર્જનથી પાણી તથા પર્યાવરણમાં થતા પ્રદુષણને અટકાવવા કેન્દ્રીય પ્રદુષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલ ગાઈડલાઈન મુજબ મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે.ખાચર દ્વારા જાહેરનામુ બહાર પાડી કેટલાક જાહેર હિતને સ્પર્શતા કાર્યો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જાહેરનામા અનુસાર ભગવાન ગણેશજીની મૂર્તિઓ બનાવવા માટે સિન્થેટીક તથા પ્લાસ્ટર ઓફ પેરીસ તેમજ કેમીકલયુક્ત રંગોનો ઉપયોગ કરવો નહીં. મૂર્તિઓના વિસર્જન સમયે પીવાના પાણીના ઉપયોગ માટે લેવાના જળસ્ત્રોનો જેવા કે, ડેમ, તળાવ, નદી, કુવામાં કે સમુદ્રમાં મૂર્તિ વિસર્જન થઈ શકશે નહીં, સક્ષમ સ્થાનિક સત્તામંડળે મૂર્તિ વિસર્જન માટે સુનિશ્ચિત કરેલ સ્થળ સિવાયની કોઈપણ જગ્યાએ વિસર્જન કરવું નહીં. મૂર્તિકારો જે જગ્યાઓ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરનાર છે તે જગ્યા તથા મૂર્તિ જે જગ્યાએ વેચાણ માટે રાખનાર છે તે જગ્યાની નજીકમાં તથા આજુબાજુમાં કોઈપણ પ્રકારની ગંદકી કરવી નહી તેમજ મૂર્તિઓના બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવો નહીં. ગણેશજીની મૂર્તિઓના સ્થાપના દિવસ બાદ મૂર્તિકારોએ વેચાણમાં લીધેલ અથવા ખંડીત થયેલ મૂર્તિઓને સ્થાપના બાદ બિનવારસી હાલતમાં મુકવી નહી. કોઈપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઈ ચિન્હો કે નિશાનીવાળી મૂર્તિઓ બનાવવી, ખરીદવી કે વેચવી તેમજ સ્થાપના કરવી નહીં. ગણેશ વિસર્જન પૂર્ણ થયા બાદ સ્થાપના સ્થળો ખાતે મંડપો એક દિવસ કરતા વધુ દિવસ સુધી રાખવા નહીં. મૂર્તિઓને વિસર્જન કર્યા બાદ પાણીમાંથી બહાર કાઢી પરત લઈ જવી નહી.