
કોઈપણ ક્ષેત્રમાં સફળતા માટે જીવનમાં અમુક આદતો વિકસાવવી તથા અમુક ગુણને આદત બનાવવી જરૂરી હોય છે જે તમને તમારા જીવનમાં સફળતા તરફ દોરી જતા હોય છે. જો આ ગુણને વિદ્યાર્થીકાળથી વિકસાવવામાં આવે તો સફળતા ઝડપથી મળતી હોય છે. વિધાર્થીકાળ દરમિયાન જ આ પાંચ ગુણો વિકસાવવા અતિઆવશ્યક છે.
પહેલો ગુણ આત્મવિશ્વાસ(Confidence) :
આત્મવિશ્વાસ એ વિદ્યાર્થીની કુશળતા અને ક્ષમતાઓ વિશેનું વલણ છે. તેમાં સ્વીકાર અને જાત પર વિશ્વાસનો સમાવેશ થાય છે. જીવનમાં નિયંત્રણની ભાવના રાખવાનો ગુણ કેળવાય છે. આત્મવિશ્વાસુ વ્યક્તિને પોતાની શક્તિઓ અને નબળાઈઓની સુપેરે જાણ હોય છે. પોતાની સ્ટ્રેન્થ(સબળતા) અને વિકનેસ(નિર્બળતા) જાણનાર સફળતાને પામે છે. જીવનમાં આવતી પ્રત્યેક મુશ્કેલીને સકારાત્મક દૃષ્ટિકોણથી જોવાની ટેવ પડે છે. આત્મવિશ્વાસુ વ્યક્તિ ટીકા ટિપ્પણીથી મૂંઝાતો નથી કે પ્રશંસાથી પોરસાતો નથી.
બીજો ગુણ પ્રતિબદ્ધતા(Commitment) સાથે નિયમિતતા(Regularity) :
જબ મેં કમિટમેન્ટ કરતા હું તો અપને આપકી ભી નહી સુનતા. આવા એક ફિલ્મી ડાયલોગ સાથે કમિટમેન્ટ શબ્દ પ્રચલિત થયો છે. પોતાના ધ્યેય પ્રત્યે સમર્પિત હોય, વફાદાર હોય તે જ વ્યકિત પ્રતિબદ્ધ છે એમ કહેવાય. પ્રાણ જાય પણ વચન ન જાય’ એ કક્ષામાં આ લોકો જીવતા હોય છે. પ્રતિબદ્ધતાને કમિટમેન્ટ પણ કહી શકાય. પ્રતિબદ્ધતાની સાથે નિયમિતતા એ સૌથી મહત્વનો ગુણ છે. દરરોજનું કામ દરરોજ કરવું અને વચન પાળવું અને પ્રતિજ્ઞા નું પાલન કરવું એ ઢીલા પોચા કે કાચા પોચા લોકોનું કામ નથી. કમિટમેન્ટ વાળા લોકો આપેલ સમયે પહોંચી જતા હોય છે. પોતાના કામો ડેડ લાઈન પહેલા પૂરા કરતા હોય છે. જે નિયમિતતા કેળવવાથી જ થઈ શકે છે.
ત્રીજો ગુણ શિસ્ત(Discipline) :
શિસ્તના ચાર મુખ્ય ભાગ છે. ધ્યેય નક્કી કરવું, આયોજન, અમલ અને જવાબદારી. વિશ્વના સફળ વ્યકિતઓ ના જીવનમાં શિસ્તનું ખૂબ મહત્વ છે. આજે શિક્ષણની માન્યતા એવી છે કે શિસ્ત માત્ર વિદ્યાર્થીઓ માટે જ હોય. જે સદંતર ખોટી અને ભ્રામક માન્યતા છે. જીવનમાં સફળતા ઈચ્છતા દરેક વ્યક્તિ માટે શિસ્ત આવશ્યક છે. રોજ સવારે નિયમિત ઉઠવું અને સમયસર સુઈ જવું એ શિસ્તનો એક ભાગ છે. સવારે નિયમિત રીતે સૂર્યને પાણી ચઢાવવું, અર્ઘય આપવું એ પણ શિસ્તનો એક ભાગ જ ગણી શકાય. દુકાનદાર હોય કે ડોક્ટર, પ્યુન હોય કે પ્રિન્સીપાલ, નેતા હોય કે અભિનેતા જીવનમાં શિસ્ત નહીં હોય તો સફળ થઈ શકશે નહીં.
ચોથો ગુણ પ્રમાણિકતા(Honesty) :
જીવનમાં પ્રમાણિકતા રાખનાર વ્યક્તિથી અપ્રમાણિક લોકો ડરતા હોય છે. સત્યની સામે અસત્ય હંમેશા ઝાંખું પડતું હોય છે. પરંતુ આજે પ્રમાણિક માણસને જેટલું સહન કરવું પડે છે; તે જોઈને પ્રમાણિક બનવામાં જોખમ રહેલું છે’ એવા ખોટા ધોરણો વિકસતા જાય છે. સફળ વ્યક્તિઓના જીવનમાં તેમની પ્રમાણિકતા મુખ્ય રહી છે. અપ્રમાણિક વ્યક્તિની ખુશી ટૂંકી હોય છે, જ્યારે પ્રમાણિક વ્યક્તિ જીવનભર ખુશી મેળવી શકશે. પ્રમાણિકતા સાથે કોઈ ચાલાકી હોતી નથી. પ્રમાણિકતા હંમેશા પ્રેમાળ હૃદય અને ખુલ્લા મન સાથે સંબંધિત છે.
પાંચમો ગુણ પરિશ્રમ(Hard work) :
સખત મહેનત એ આપણા જીવનનો આવશ્યક ઘટક છે. અથાક પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી ઈતિહાસ સાક્ષી છે કે પરિશ્રમ વિના જીવનમાં સફળતા જેવું કંઈ નથી. એક બિનઉત્પાદક વ્યક્તિ જે હંમેશા આરામ કરતી જોવા મળે છે તે ક્યારેય સફળ થશે નહીં. અનેક પ્રયત્નો કર્યા વિના સફળતા પ્રાપ્ત કરવી અશક્ય છે. સફળતા થવા માટેનો કોઈ શોર્ટકટ નથી. જે લોકો શોર્ટકટ નો ઉપયોગ કરે છે તેમની
સફળતા દૂધના ઉભરા જેવી હોય છે.

આ પાંચ ગુણને જો વિદ્યાર્થી ડાઉનલોડ કરી લે તો સફળતા હંમેશા તેમના કદમ ચુમતી જોવા મળશે.
વિશાલ આર. બરાસરા
મોરબીના ખ્યાતનામ ગણિત શિક્ષક.
પુરુષાર્થ કલાસીસ.