
નજીવા ખર્ચ સાથેની ખેત પધ્ધતિ અપનાવી ખેતર, આરોગ્ય અને પર્યાવરણનું કરી શકાશે જતન
મોરબી : ભારતમાં હાલ પરંપરાગત ખેતી પધ્ધતિના સ્થાને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ ધીરે ધીરે વધી રહ્યો છે. આજની પરિસ્થિતિ જોતા પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગમાં લેવાતા દેશી ખાતર અને જંતુનાશકોનું મહત્વ સવિશેષ છે.
20મી સદીના અંતમાં આવેલી હરિયાળી ક્રાંતિના પગલે ભારતની ખેત પધ્ધતિમાં પણ અનેક પરિવર્તન આવ્યા. આ પરિવર્તનની સાથે જ આ રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાઓએ આપણી બજારોમાં અને ત્યાંથી ધીરે ધીરે ખેડૂતોના ખેતરોમાં પગપેસારો કર્યો. જે ખાતર અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગના ગંભીર પરિણામો આજે આપણે ભોગવી રહ્યા છીએ. હજુ સમય છે કે, આપણે ઘન જીવામૃત, બીજામૃત, નીમાસ્ત્ર વગેરેનો ઉપયોગ કરી બિનઝેરી ખેત પેદાશોનું ઉત્પાદન કરી શકીએ છીએ.

રાસાયણિક ખેતીમાં ઉત્પાદીત થતી ખાદ્ય પેદાશો ધીમે ધીમે શરીરને હાનિ પહોંચાડે છે જ્યારે પ્રાકૃતિક ખેતીની ઉપજ ઉત્તમ ફાયદો આપનારી છે. પર્યાવરણીય દ્રષ્ટિકોણની સાથે ખેતીની ઉત્પાદકતા વધારવા માટે પણ પ્રાકૃતિક ખેતી મહત્વની છે. પ્રાકૃતિક ખેતીના ફાયદા અને તેનું મહત્વ સમજી ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. પ્રાકૃતિક ખેતીની શરૂઆતના તબક્કામાં જો માવજતપૂર્વક સારસંભાળ રાખવામાં આવે તો ઉત્તમ પરિણામ મળે છે. જ્યારે જમીન રાસાયણિક ખાતર અને દવાઓના ઉપયોગના કારણે બીન ઉપજાઉ બનેલી હોય અને ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવામાં આવે તો આવી જમીનમાં રોગ અને જીવાતો વધુ પ્રમાણમાં આવે છે. જેના નિયંત્રણ કરવા માટે નિમાસ્ત્ર, સૂંઠાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર વગેરે પ્રાકૃતિક જંતુરોધકોનો ઉપયોગ કરી ઉત્તમ પરિણામ મળી શકે છે. લીમડો, ધતુરો, આંકડો, ગળો, સીતાફળી જેવી વનસ્પતિઓને ગૌમૂત્રની અંદર ભેળવી ૨ લીટરના પ્રમાણમાં રાખી 15 થી 20 લીટર પાણીમાં ઉમેરીને પાક ઉપર છંટકાવ કરવાથી રોગ જીવાતનું નિયંત્રણ થશે.