
મોરબીના ઘુંટુ ગામની હરિઓમ પાર્ક સોસાયટીમાં બનેલા બનાવની ફરિયાદ નોંધાઈ
મોરબી : મોરબીના ઘુંટુ ગામની હરિઓમ પાર્ક સોસાયટીમાં રહેતી પત્નીને પતિ સાથે ઘરકાંકસ થયો હોવાથી રિસામણે પિતાના ઘેર રહેતી હોય અને છૂટાછેડાનો કેસ કરતા રઘવાયેલા પતિએ ઉગ્ર બોલાચાલી કરી ગળામાં કટર બ્લેડ ફેરવી જીવલેણ ઇજાઓ પહોંચાડતા તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ છે.
મોરબી તાલુકાના ઘુંટુ ગામે હરિઓમ પાર્કમાં રહેતા હસમુખભાઈ નાનજીભાઈ ઉભડિયાએ તેમના જમાઈ જીગ્નેશભાઈ સવજીભાઈ આઘારા સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેમની પુત્રી ગાયત્રીબેનને આરોપી એવા પતિ જીગ્નેશ સાથે ગૃહ કલેશ થવાથી દોઢેક વર્ષથી તેમની પુત્રી રિસમણે બેઠી છે અને તેમની પુત્રીએ આરોપી પતિ જીગ્નેશ સાથે છૂટાછેડા લેવા કોર્ટમાં કેસ કરતા આરોપી ઉશ્કેરાઈને તેમના ઘરે આવી માથાકૂટ કરી ગાયત્રીબેનને પાછળથી પકડી ગળાના ભાગે ચાઈના કટર બ્લેડ ફેરવી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવની મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી પતિને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.