(મયુર રાવલ,હળવદ)



હળવદ તાલુકામાં પ્રથમ ક્લસ્ટરમાં સમાવિષ્ટ ગામોનો સેવા સેતુ કાર્યક્રમ મયુરનગર પ્રાથમિક શાળા ખાતે યોજાયો
રેશનકાર્ડ, આધાર કાર્ડ, જાતિ પ્રમાણપત્રો, દિવ્યાંગતા પ્રમાણપત્ર, મેડીસીન સેવાઓ સહિતની સેવાઓ ગ્રામજનોને ઘર આંગણે જ મળી
હળવદ :રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ નાગરિકોની રજૂઆતોનો ઉકેલ ઝડપથી આવે તે માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં “સેવા સેતુ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં પ્રથમ ક્લસ્ટરમાં સમાવિષ્ટ ગામોનો સેવા સેતુ કાર્યક્રમ મયુરનગર પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો.
રાજ્યના છેવાડાના માણસોની નાની – નાની સમસ્યાઓનું સ્થળ ઉપર જ નિવારણ થાય તે માટે સેવા સેતુ થકી સુંદર આયોજન કરાયું છે. આ સેવા સેતુ કાર્યક્રમમાં ૧૩ વિભાગોની ૫૩ જેટલી વિવિધ પ્રકારની સેવાઓનો લાભ લોકોને આપવામાં આવી રહ્યો છે. જેમાં મુખ્યત્વે સેવાઓમાં રેશનકાર્ડ, આધાર કાર્ડ, જાતિ પ્રમાણપત્રો, દિવ્યાંગતા પ્રમાણપત્ર, મેડીસીન સેવાઓ, કિશાન ક્રેડીટ કાર્ડ, નવું બેંક એકાઉન્ટ ખોલવવું, મિલકત આકારણીનો ઉતારો, આવકનો દાખલો, વૃદ્ધ પેન્શન સહાય, જેવી સેવાઓ સ્થળ પર જ મળી રહે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જે તે વિભાગના અધિકારી કર્મચારીઓ સ્થળ પર હાજર રહીને આ સેવાનો લાભ લોકોને આપ્યો હતો.
મયુરનગર પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા સાંસદ ચંદુભાઈ શિહોરા, મોરબી જિલ્લા કલેકટર કે બી ઝવેરી, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી,પ્રાંત અધિકારી,મામલતદાર તાલુકા વિકાસ અધિકારી, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ પટેલ, યાડૅના ચેરમેન રજનીભાઈ સંઘાણી,વલ્લભભાઈ પટેલ. સહિતના રાજકીય આગેવાનો તેમજ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.