
મોરબી : હાલ સરકાર દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત મોરબી સહિત રાજ્યભરમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું હોય ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા દેવેન્દ્રસિંહ જાડેજાએ મોરબીમાં ભાજપ દ્વારા ચાલતા સ્વચ્છતા અભિયાનને નર્યું નાટક કહી ખરેખર ભાજપ મોરબીને સ્વચ્છ કરવા માંગતું હોય તો ગંદકીથી ખદબદતી મોરબીની કાલિન્દ્રી નદીને 15 દિવસમાં સ્વચ્છ બનાવો તેવો પડકાર ફેંક્યો છે.
મોરબીની માળિયા ફાટકથી મહેન્દ્રનગર ચોકડીની વચ્ચેથી પસાર થતી કાલિન્દ્રી નદીની પ્રદુષિત હોવાની સાથે ગંદકીથી તરબોળ હોવાનું કોંગ્રેસ પ્રવક્તા દેવેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું છે. નદીમાં ઠેર ઠેર ગંદકી અને દબાણો ખડકી દેવાયા હોય અને જો આમ ને આમ ચાલશે તો થોડા સમયમાં આ નદીનું અસ્તિત્વ જ નહીં રહે તેવો ખતરો દર્શાવ્યો છે. આ વાત કોઈ અધિકારી કે પદાધિકારીના ધ્યાનમાં આવતી નથી. ભાજપના નેતાઓ સ્વચ્છતા અભિયાનના નામે દેખાડો અને નાટકો કરે છે. જો ખરેખર સ્વચ્છતા અભિયાન કરવા માગતા હોય તો 15 દિવસમાં કાલિન્દ્રી નદીને સાફ કરીને બતાવો. દેશના જળ સંસાધન મંત્રી પણ આપણા ગુજરાતના સી.આર.પાટીલ જ છે તો તેઓ આ નદીને સાફ કરીને બતાવે તેવો પડકાર ફેંકી જો 15 દિવસમાં કાલીન્દ્રિ નદીમાં ગંદકીની સફાઈ કરીને આ નદીના જળ સ્વચ્છ નહિ થાય તો આંદોલન કરવાની તેઓએ ચીમકી આપી છે.


