
મોરબી : મોરબીમાં યુવાનની છરીના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો હતો. મોબાઈલ બાબતે યુવાનની હત્યા થયાનું ખુલતા પોલીસે એક આરોપી સામે હત્યાનો ગુન્હો નોંધી તેની ધરપકડ કરવા તપાસ હાથ ધરી છે.
મોરબીના સામાંકાંઠે વેજીટેબલ રોડ પર સ્મશાનના ગેટ પાસે ગઈકાલે સાંજના સમયે શામજીભાઈ પોપટભાઈ ચાવડા (ઉ.વ. 30)ની છરીના ઘા ઝીકી કરપીણ હત્યા કરવામાં આવતા તેમના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ હત્યાના બનાવમાં જગદીશભાઈ ધીરુભાઈ બારોટ ઉર્ફે ઉગો (ઉ.વ. 25)ને પણ અજાણ્યા શખ્સો દ્વારા છરીના ઘા ઝીકતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. આ હત્યાના પગલે સનસનાટી મચી ગઇ હતી. બી ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ શરૂ કરી હતી.
મૃતકના બહેન કોકિલાબેન મુકેશભાઈ પરમારએ આરોપી ઈરફાન દાઢી જામ સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી કે, તેમનો મૃતક ભાઈ શામજીભાઈ તથા તેમના મિત્રો જગદીશભાઇ અને પ્રભુભાઈ સાથે ગઈકાલે આશાપુરા માતાજીના મઢે ચાલીને જતા લોકોની સેવા માટે જઈ રહ્યા હતા ત્યારે આ ત્રણેય ઘરથી નજીક વેજિટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર નજીક પહોંચ્યા ત્યારે આરોપી ઈરફાન દાઢી જામએ મોબાઈલ બાબતે તેમની સાથે ઝઘડો કરવા લાગી અચાનક ઉશ્કેરાય જઈને આરોપીએ ત્રણેય ઉપર છરીથી હુમલો કરી દીધો હતો. જેમાં શામજીભાઈને છરીથી જીવલેણ ઇજા પહોંચાડીને હત્યા કરી નાખી હતી. તેમજ બે મિત્રોને પણ ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને આરોપી હાથવેંતમાં હોવાનું જાણવા મળે છે.