


મોરબી : મોરબી – વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેન યાંત્રિક ખામીથી આજે રવિવારે સવારે વાંકાનેરથી ઉપડેલી ડેમુ મોરબીના નજરબાગ સ્ટેશને બંધ પડી જવાથી ગયા બાદ મોરબીથી વાંકાનેર જવા માટેની ડેમુ રદ કરી નાખવામાં આવતા અનેક મુસાફરો રઝડી પડ્યા હતા.
મોરબી-વાંકાનેર શહેર વચ્ચે દોડાવવામાં આવતી ડેમુ ટ્રેન અવાર નવાર બંધ પડી જતી હોવાથી અનેક મુસાફરો લટકી પડતા હોવાની વચ્ચે ફરી એકવાર આજે આ ડેમનું ટ્રેને મુસાફરોને અધવચ્ચે લટકાવ્યા હતા. આજે રવિવારે સવારે 8 વાગ્યાના અરસામાં વાંકાનેરથી મોરબી જવા ઉપડેલી ડેમુ ટ્રેન યાંત્રિક ખામીને કારણે નજરબાગ રેલવે સ્ટેશને બંધ પડી જતા આ ડેમુ ટ્રેન માટે મોરબીથી એન્જીન બોલાવી ડેમુ ટ્રેનને મોરબી તરફ લઈ જવામાં આવી હતી. બીજી તરફ આ ડેમુ બંધ પડતા મોરબીથી વાંકાનેર જતી ડેમુનો ફેરો રદ કરી નાખવામાં આવતા અનેક મુસાફરો રઝડી પડયા હતા. મોરબી અને વાંકાનેર વચ્ચે એકમાત્ર ટ્રેન હોય અને એ ટ્રેનમાં પણ વારંવાર ધાંધીયા થતા હોય મુસાફરોએ રેલવેની રેઢિયાળ નીતિ સામે રોષ ઠાલવ્યો હતો.