મોરબી : મોરબીના નવા બસટેન્ડ પાછળ આવેલ કન્યા છાત્રાલય રોડ ઉપર અનેક શૈક્ષણિક સંકુલો આવેલા હોય તેમાં મોટી સંખ્યામાં અભ્યાસ અર્થે જતી આવતી વિદ્યાર્થીનીઓ સુરક્ષાનો પ્રશ્ન કાયમ રહે છે. કન્યા છાત્રાલય રોડ ઉપર હમેશા આવારા તત્વો બેઠા હોય અને ત્યાંથી નીકળતી વિદ્યાર્થીનીઓની છેડતી કરીને પજવણી કરતા હોવાના અનેક બનાવો સામે આવ્યા બાદ આ વિદ્યાર્થીનીઓની સુરક્ષા માટે આજે મોરબી પોલીસની સી ટિમ દ્વારા તે વિસ્તારમાં ખાસ ડ્રાઈવ યોજાઈ હતી અને પોલીસે કન્યા છાત્રાલય રોડ ઉપર સઘન ચેકિંગ કરી આવારા તત્વોની શાન ઠેકાણે લઈને મહિલા પોલીસે વિદ્યાર્થીનીઓને આવારા તત્વોથી જરાય ડરવાની જરૂર ન હોવાનું જણાવી નિડતરતાથી સામનો કરવાનું જણાવ્યું હતું. મહિલા પોલીસની સી ટીમે કન્યા છાત્રાલય રોડ સહિત મહિલાઓની અવરજવરના તમામ વિસ્તારમાં ખાસ ડ્રાઈવ યોજી મહિલાઓની સુરક્ષા માટે કાયદાકીય જોગવાઈનું જ્ઞાન આપી જ્યારે જરૂર પડે ત્યારે પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

