મોરબી : મોરબી નગરપાલિકામાં સૌથી વધુ ટેક્સ ભરવાથી મોરબી શહેરની આર્થિક કરોડરજ્જુ ગણાતા લાતીપ્લોટમાં સમસ્યાઓની વર્ષોથી વણજાર છે. સૌથી મોટો પ્રશ્ન ગંદકીનો છે. જો કે ચોમાસામાં વરસાદી પાણી ભરવાની તો ઠીક સામાન્ય દિવસોમાં પણ પાણી ભરાય રહે છે અને કચરાના મહાગંજ ખડકાયા છે. ટેક્સ ભરવામાં અગ્રેસર હોય એટલે એ વિસ્તારમાં વિશેષ ધ્યાન આપવાનું હોય એના બદલે કોઈ કામગીરી ન કરવી એ સરાસર ઓરમાયું વર્તન ગણાય છે. વખતોવખત સ્થાનિક તંત્રથી માંડીને મુખ્યમંત્રીથી લઈ ઉચ્ચકક્ષાએ રજુઆતનો ધોધ વરસાવ્યો હોય છતાં લાતીપ્લોટના પ્રશ્નો ઠેરના ઠેર જ રહેતા ફરી એકવાર સ્થાનિક તંત્રથી માંડીને મુખ્યમંત્રીથી લઈ વડાપ્રધાન સુધી ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી છે.
ઔદ્યોગિક વિસ્તાર લાતી પ્લોટ શેરી નં-5 ની શેરીમાં કાયમી ગંદકી અને માંદગી અંગે વર્ષોથી ફરિયાદ કરવા છતાં ઉકેલ ન આવતા લાતી પ્લોટ શેરી નં-5 ના વેપારીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને રજુઆત કરતા જણાવ્યું છે કે, લાતીપ્લોટ એક એવો એરિયા છે કે, ત્યાં નાની-મોટી ફેક્ટરીઓ આવેલી છે તે સાથે જ કાયમી ગંદકીથી રોગચાળો ફેલાય છે. આ એ જ લાતીપ્લોટ છે જેની ફરિયાદ મોરબી નગર પાલિકા ને હર મહિને ફરિયાદ કરવી પડે છે કારણ કે, વરસાદ હોય ત્યારે તો ઠીક કે પાણી ભરાય પણ અહીંયા તો રોજ રોજ પાણી ભરાય અને અને કચરાના ટ્રેક્ટરો ભરાય એટલો બધો વિકાસ અમારા લાતીપ્લોટ શેરી-5 માં થયો છે પણ અમારી મોરબી નગર પાલિકાને એ બધું દેખાતું જ નથી. ત્યાં એવા કોઈ અદિકારીઓ જ નથી કે એમ વેપારીઓ કહી શકીએ કે આ જવાબદાર અધિકારી છે

કારણ કે, અમારી ફરિયાદ જ કોઈ સાંભળતું નથી એટલા બેજવાબદાર અધિકારીઓ છે મોરબી નગર પાલિકામાં . વારે વારે મોરબીની લોકલ ન્યૂઝમાં આ અંગે ફરિયાદ આવે છે તો પણ અમારી નગર પાલિકાના જવાબદાર અધિકારીઓ ફરિયાદ ઉપર ધ્યાન આપતા નથી. આ એ જ લાતી પ્લોટ છે જયાથી ભારત સરકાર અને ગુજરાત સરકારને વર્ષે કરોડો રૂપિયા ટેક્સ આપીએ છીએ તો પણ સુવિધાના નામે જીરો છે.
મોરબી નગર પાલિકા અને કલેકટરને વારે વારે ફરિયાદ કરીયે છીએ તો પણ કોઈ જવાબ આપવા તૈયાર નથી તે કારણોસર લાતીપ્લોટ શેરી-5 ના બધા જ વેપારીઓ પ્રધાનમંત્રીને ફરિયાદ કરવા મજબુર થયા છીએ. અમારા લાતીપ્લોટ શેરી-5 માં ગંદકીના કારણોસર કોઈ ગ્રાહક પણ નથી આવી શકતા. એટલી બધી મુશ્કેલી છે કે જો તમે અમારી ફરિયાદ ઉપર કાર્યવાહી નહિ કરો તો અમારે અનેક દુકાનો અને નાની-મોટી ફેક્ટરીઓ બંધ કરવીપડશે અને તે કારણોસર ભારત સરકાર અને ગુજરાત સરકારને કરોડો રૂપિયાનો ટેક્સ બંધ થાય એવું છે અને હજારો લોકોની રોજી-રોટી પણ છીનવાય જાય એવું છે અને પ્રધાનમંત્રી હંમેશા વિકાસની સાથે છે એટલે અમને વિશ્વાસ છે કે જે મોરબી નગર પાલિકાએ કામ નથી કરી સશકયું એ આપણા પ્રધાનમંત્રી કરી બતાવશે એવી આશા વ્યક્ત કરી છે.
જો મોરબીના લોકો વારે વારે પ્રધાનમંત્રી સુધી ફરિયાદ કરતા હોય તો મોરબીમાં વિકાસ ખાલી નામનો છે એવું કહી શકાય ! મોરબીમાં કોઈ સુવિધા નથી બસ એક જ સુવિધા છે ખાલી કરોડો રૂપિયાનો ટેક્સ આપો અને સરકાર સુવિધાને બદલે અમને ગંદકી રોગચાળો ભેટમાં આપે છે. આ સાથે લાતીપ્લોટ શેરી-5 ના વેપારીઓને કોઈપણ અધિકારીઓ હેરાન પરેશાન કરશે તો જવાબદારી ભારત સરકારની રહેશે. આ સાથે જ ગંદકીની ભયાનકતાનો ફોટો મોકલ્યો છે. જેથી કરીને તમને પણ ખબર પડે કે લાતીપ્લોટ શેરી-5માં વિકાસ કેવો કરી રહ્યા છો.