મોરબી : મોરબી શહેર જિલ્લામાં પરપ્રાંતિયોને મકાન ભાડે આપનાર કે કામે રાખનાર માટે પોલીસને જાણ કરવી ફરજીયાત હોવા અંગેનું જાહેરનામું અમલી હોવા છતાં જાહેરનામાનો અમલ ન થતો હોય છેલ્લા અઠવાડીયાથી પોલીસ કડક હાથે કાર્યવાહી કરી રહી છે. ગઈકાલે વધુ પાંચ સામે જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરવામાં આવી હતી.
જાહેરનામા ભંગ સબબ મોરબી તાલુકા પોલીસે ટીંબડી ગામના પાટિયા નજીક સિસો થાઇ સ્પા ચલાવતા ત્રિપુરાના રહેવાસી બ્રિકલિંટન ગંગાપ્રસાદ રિયાંગ વિરુદ્ધ સ્પામાં પરપ્રાંતીય મહિલાઓને કામે રાખી પોલીસને જાણ નહિ કરતા ગુન્હો નોંધ્યો હતો. એ જ રીતે સાપર ગામની સીમમાં સ્પા ચલાવતા પાર્થ અશ્વિન મોરી વિરુદ્ધ પણ પરપ્રાંતીય મહિલાઓને કામે રાખી પોલીસને જાણ નહિ કરતા જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી. જ્યારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે કાલિકા પ્લોટમાં બહારના રાજ્યના મજૂરોને ઓરડી ભાડે આપી પોલીસમાં જાણ નહિ કરનાર સંજય પ્રભુલાલ કોટેચા વિરુદ્ધ જાહેરનામા ભંગ મામલે કાર્યવાહી કરી હતી.
ટંકારાના અમરાપર રોડ ઉપર આવેલ સેવન ઇન્ડસ્ટ્રીઝમાં પરપ્રાંતીય મજૂરોને કામે રાખી ટંકારા પોલીસને જાણ નહિ કરનાર મધ્યપ્રદેશના પ્રેમલાભાઈ ખીમાભાઈ મૈડા વિરુદ્ધ કાર્યવાહી કરી હતી તેમજ હળવદ પોલીસે જીઆઇડીસી પાસે આવેલ આઈ માતા હોટલના રાજસ્થાનના વતની સંચાલક કાળુરામ પોકરરામ પ્રજાપતિએ પોતાની હોટલમાં પરપ્રાંતીય મજૂરોને કામે રાખી પોલીસને જાણ ન કરતા જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.