સોનાના દાગીના એક પોટલીમા મુકાવ્યા અને સવા મહિના બાદ ખોલવાનું કહેતા પોટલું ખોલતા લોટ નીકળ્યો
મોરબી : મોરબીના શક્ત શનાળા ગામે એક પાંખડીએ ધતીગ લીલા આચરી હતી. જેમાં એક પરિવારમા બીમારી નહિ આવે, દુઃખ દર્દ દૂર કરવા અને વ્યાપાર ધંધા બરાબર ચલાવવા માટે ધાર્મિકવિધિ કરવી પડશે કહીને શિશામાં ઉતાર્યા હતા. સોનાના દાગીના અને રોકડા રૂપિયા એક પોટલમાં મુકાવી સવા મહિના બાદ આ પોટલી ખોલવાનું કહ્યું હતું અને સવા મહિને પોટલી ખોલતા અંદરથી લોટ નીકળતા રૂપિયા 3.30 લાખના સોનાના દાગીના અને રોકડ લઈ જઈ ઢોંગી બાબાએ છેતરપિંડી કરી હોવાનો અહેસાસ થતા આ ઢોંગી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
મોરબી નજીક શક્ત શનાળા ખાતે રહેતા ભરતભાઇ નરસીભાઈ સનારીયાએ ઢોગી બાવા નિલેશગીરી ઉર્ફે નવીનગીરી મોતીગીરી ગોસાઈ રહે.રામજી મંદિર પાસે, શક્ત શનાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, બે મહિના પૂર્વે ભરતભાઈના પિતા રીક્ષા ચલાવતા હોય આરોપી નિલેશગીરી ઉર્ફે નવીનગીરીના ઘેર ગાયની નિરણ ઉતારવા માટે ગયા હતા ત્યારે નરસીભાઈએ તેમના ઘરમાં બધા બહુ બીમાર રહેતા હોય નિરાકરણ કરવા કહ્યું હતું જેથી આરોપી નિલેશગીરી ઉર્ફે નવીનગીરીએ ધાર્મિક વિધિ કરવાનું કહેતા નરસીભાઈએ પુત્ર ભરતભાઈને આ વાત કરતા ફરિયાદી ભરતભાઈએ વિધિ કરવાની હા પાડી હતી. બાદ આરોપી નિલેશગીરી ઉર્ફે નવીનગીરી ભરતભાઈના ઘેર જઈને કહ્યું હતું કે ધાર્મિકવિધિ માટે તમારા ઘરમા જે સોનુ અને રોકડ રકમ હોય તે મુકવા પડશે જેથી ભરતભાઇ અને તેમના પરિવારે અંધ વિશ્વાસમાં આવી અઢી તોલા વજનનો સોનાનો ચેઇન, સોનાના બે કાપ, સોનાની 6 બુટી, સોનાની બે વીંટી અને 50 હજાર રોકડા આપતા આરોપી નિલેશગીરીએ તમામ વસ્તુઓ કપડામાં પોટલું વાળી અંદર એક રૂમમાં વિધિ કરવાને બહાને ગયો હતો અને વિધિ પુરી કરી સવા મહિના પછી આ પોટલું ખોલવાનું કહી ઘરમાંથી બધી બીમારી જતી રહેશે તેમજ વેપારધંધા સારા ચાલશે કહી ચાલ્યો ગયો હતો. પરંતુ સવા મહિના બાદ ભરતભાઈના પરિવારે ઠગ નિલેશગીરી ઉર્ફે નવીનગીરી બાબાએ વાળેલું પોટલું ખોલતા પોટલામાંથી લોટ નીકળતા સનારીયા પરિવારને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતા અવાર નવાર આરોપીને દાગીના પરત આપવા કહેવા છતાં સોનાના દાગીના કે રોકડ રકમ પરત નહિ આપતા અંતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગ નિલેશગીરી ઉર્ફે નવીનગીરી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.