મોરબી : મોરબીમાં ચોમાસું સતાવાર રીતે પૂરું ઘયું હોવા છતાં વરસાદે વિદાય લેવાનું નામ ન લેતા નવરાત્રી બાદ દિવાળી સુધી નોન સ્ટોપ વરસાદ ચાલુ રહ્યોં છે. આજે પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. મેઘરાજાએ સાજનો ક્રમ યથાવત રાખ્યો હોય એમ આજે પણ સાંજે વરસી પડ્યા હતા અને ઠેરઠેર પાણી નદીના વહેણની જેમ વહી નીકળ્યા હતા.
આજે રવિવારે પણ આખો દિવસ ગરમી અને ઉકળાટ બાદ આકશમાં આસો માસમાં અષાઢી માહોલ છવાયો હતો અને જાણે ચોમાસુ હજુ બેસી ગયું હોય એમ વિદાય લેવાની ઘડીએ મેઘરાજા વીજળીના કડાકા ભડકા સાથે ત્રાટકયા હતા. આજે મોડી સાંજે છ વાગ્યાની આસપાસ ઘાણી ફૂટ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.સતત વરસાદથી લોકો પણ કંટાળી ગયા છે અને સતત વરસાદથી પાણી ભરાય રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી ગયો છે. આજે ધોધમાર વરસાદથી ઠેરઠેર પાણી ભરાયા હતા. જાણે ચોમાસું ફરી બેઠું હોય એવો મેધરાજાએ અણસાર આપીને વરસાદ વરસાવ્યો છે. સૌથી વધુ કપરી હાલત ખેડૂતોની થઈ છે. અતિવૃષ્ટિથી પહેલાથી જ પાક બગડેલો છે. હવે વધુ પાછોતરો વરસાદથી ખેડૂતોને ભારે નુકશાની થાય એમ છે. આથી બધા લોકો હવે વધુ વરસાદ ખાના ખરાબી સર્જે તેમ હોવાથી મેઘરાજાને ખમૈયા કરવાની પ્રાર્થના કરી રહ્યા છે.


