કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અને UPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓને અપાશે વાર્ષિક ૧૫ હજારની શિષ્યવૃત્તિ
વિદ્યાર્થીઓએ www.morbidp.gujarat.gov.in પરથી અરજીનો નમૂનો મેળવી જિલ્લા પંચાયતની શિક્ષણ શાખામાં ૧૫ દિનમાં અરજી કરવી
મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પંચાયત દ્વારા UPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક ધોરણે ૧૫૦૦૦ ની શિષ્યવૃત્તિ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
સમગ્ર રાજ્યમાં મોરબી જિલ્લામાં પ્રથમ વખત UPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક અનન્ય પહેલ કરવામાં આવી છે. મોરબી જિલ્લાના વતની હોય અને ધોરણ-૧૨ માં ૭૦ % થી વધુ માર્ક્સ મેળવેલ હોય અને હાલ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હોય તેવા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે UPSCની તૈયારી માટે મોરબી જિલ્લા પંચાયત દ્વારા શિષ્યવૃતિ આપવાનું નક્કી કરવામાં આવેલ છે. ઉપર મુજબની શરતો સંતોષતા હોય અને UPSC ની પરીક્ષા આપવા ઇચ્છુક હોય તેવા વિદ્યાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.
આ શિષ્યવૃત્તિ માટે પસંદ થયેલા વિદ્યાર્થીને પ્રથમ વર્ષ માટે રૂ.૧૫૦૦૦/- અને ત્યારબાદ જરૂરી લાયકાતના ધોરણો મેળવ્યા બાદ બીજા અને ત્રીજા વર્ષ માટે પણ શિષ્યવૃતિ આપવાનું આયોજન વિચારણા હેઠળ છે. આ માટે ઈચ્છુક વિદ્યાર્થીઓએ તા.૨૫/૧૦/૨૦૨૪ થી દિન-૧૫ માં રૂમ નં.૧૪૬, શિક્ષણ શાખા, પ્રથમ માળ, જિલ્લા પંચાયત કચેરી, સો-ઓરડીની સામે, શોભેશ્વર રોડ, મોરબીમાં પોતાની અરજી જમા કરાવવાની રહેશે. અરજીનો નમુનો જિલ્લા પંચાયત કચેરી, મોરબીની વેબસાઈટ www.morbidp.gujarat.gov.in પરથી મેળવી શકાશે તેમ મોરબી જિલ્લા પંચાયતની યાદીમાં જણાવાયું છે.