મુખ્ય ટ્રસ્ટી બેચર હોથીએ પત્રકારોનું મારે કંઈ કામ ન હોવાનું કહી એવા તો આક્ષેપ કરે એમ કહ્યું
મોરબી :મોરબીની જાણીતી સંસ્થા કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત આર.ઓ.પટેલ મહિલા કોલેજની પ્રતિષ્ઠા ખરડાઈ છે. આ કોલેજના પ્રિન્સીપાલે એક મહિલા અધ્યાપિકાની છેડતી કર્યા બાદ પ્રિન્સીપાલની આ હરકતની ફરિયાદ કરનાર અન્ય મહિલા પ્રોફેસરની ટ્રસ્ટીઓએ હકાલપટ્ટી કરી નાખી હોવાના આક્ષેપ સાથે કલેકટરને લેખિતમાં ફરિયાદ કરતા આ નામાંકિત સંસ્થાના પાયા હચમચી ઉઠ્યા છે. જ્યારે પત્રકારોએ આ બાબતે મુખ્ય ટ્રસ્ટી બેચર હોથીને સ્પષ્ટતા કરવાનું કહેતા તેઓએ મારે પત્રકારોનું કઈ કામ નથી કહીને પોતાની જવાબદારીમાંથી ઉલાળીયો કરી નાખ્યો હતો.

મોરબીમાં પેટલ કન્યા છાત્રાલય નામે જાણીતા અને વિશાળ કેમ્પસ તેમજ હજારો કન્યાઓને શિક્ષણ આપતી સંસ્થા કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આર.ઓ. પટેલ વિમેન્સ કોલેજની મહિલા પ્રોફેસરે કલેકટરને લેખિતમાં આવેદન આપીને જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિ. માન્ય આ કોલેજમાં વર્ષ 2013થી ઈંગ્લીશ વિષયના પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા. દરમિયાન જાન્યુઆરી 2024માં આ સંસ્થાના બી.એડ.કોલેજના પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતા કમલેશ ભોરણીયાએ તે કોલેજની મહિલા અધ્યાપીકાની છેડતી કરી હતી. આથી તે અધ્યાપિકા એ આર.ઓ. પટેલ વિમેન્સ કોલેજના મહિલા પ્રોફેસરને કરી હતી. આ ગંભીર બાબત અંગે મહિલા પ્રોફેસરે પહેલા સંસ્થાના ટ્રસ્ટી બેચર હોથી, ત્રબંકભાઈ, એ.કે. પટેલ અને ગોપાલભાઈ ફેફરને જાણ કરી હતી. પણ છેડતી કરનાર પ્રિન્સિપાલ સામે કઈ કાર્યવાહી કરવાને બદલે ટ્રસ્ટીઓએ તેમને છાવરી ઉલટાના મહિલા પ્રોફેસરને ઠપકો આપી નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપી હતી. બીજી તરફ ભોગ બનનાર મહિલાએ આ બાબતે કઈ કરવાની ના પાડી હતી. એટલે આ મહિલા પ્રોફેસરને તેમની સાથે કઈ બન્યું ન હોવાથી એક મહિલા તરીકે બીજા મહિલાની સુરક્ષા અંગે અવાજ ઉઠાવ્યો હતો. આથી વેકેશન ખુલતા ગત તા.24/8/2024 ના રોજ મહિલા પ્રોફેસરને સાચું બોલવાની સજા રૂપે નોકરીમાંથી હાથ ધોવા પડ્યા હતા અને અપમાનના કડવા ઘૂંટડા પીધા એ અલગ. ટ્રસ્ટીઓએ વગર વાંકે તેમને નોકરીમાંથી કાઢી મુક્યા હતા. ઉપરથી આ અરજદાર મહિલાની ગરિમા ન જળવાય એવા પણ કડવા વેણ કહ્યા હતા. આ ગંભીર ભૂલ સંસ્થાની હોય સત્ય માટે તેમણે અવાજ ઉઠાવ્યો હોય એના બદલામાં અન્યાય મળતા તેઓએ હવે ન્યાય માટે કલેકટર સમક્ષ ઘા નાખી છે. આ ગંભીર બાબતે સંસ્થાના ટ્રસ્ટીનું પણ નિવેદન જરૂરી હોય પત્રકારોએ બેચર હોથીનો સંપર્ક કરતા તેમણે પત્રકારોનું મારે કઈ કામ નથી નોકરીમાંથી કાઢી મુક્યા હોઈ તો આક્ષેપ કરે તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. આ સંસ્થામાં હજારો દીકરીઓ અભ્યાસ કરે છે અને આ સંસ્થા ભૂતકાળમાં પણ અનેક વખત વિવાદમાં આવી ચૂકી છે.
