દિવાળી કે દિપાવલી, “પ્રકાશનું પર્વ” છે. પ્રકાશ શા માટે મનુષ્ય જીવનમાં આટલું મહત્ત્વ ધરાવે છે તેનું એક કારણ એ કે, તે આપણી દૃષ્ટિ ઇન્દ્રીય સાથે સંબંધિત છે. બીજા બધાં જીવો માટે પ્રકાશનો અર્થ જીવન ટકાવી રાખવા માત્ર છે. પરંતુ એક મનુષ્ય માટે, પ્રકાશ માત્ર જોવા કે ન જોવા સુધી સીમિત નથી. આપણા જીવનમાં પ્રકાશનો ઉદય એક નવી શરૂઆત સૂચવે છે ખાસ કરીને સ્પષ્ટતા. મોટાભાગના જીવો સહજવૃત્તિથી જીવે છે, તેથી તેમને કોઈ પ્રકારની મૂંઝવણ નથી હોતી કે શું કરવું કે ન કરવું. એક યુવા વાઘ બેઠાં બેઠાં પોતાની જાતને પૂછતો નથી કે, “શું હું એક સારો વાઘ બની શકીશ કે પછી એક પાલતુ બિલ્લી?” જો તે માત્ર પૂરતો આહાર લેશે તો તે એક યોગ્ય વાઘ બની રહેશે.

તમે એક મનુષ્ય તરીકે જીવ લીધો હશે પરંતુ એક સારા મનુષ્ય બનવા માટે, તમારે કેટલી બધી વસ્તુઓ કરવી પડે છે. અને તે પછી પણ, તમને ખબર નથી કે તમે ક્યાં ઊભા છો, સરખામણી કરીને કદાચ તમે વિચારશો કે, તમે બીજા કરતાં સારા છો. પરંતુ માત્ર પોતાના પ્રમાણથી તમે નહીં જાણી શકો કે તમે ક્યાં ઊભા છો. મનુષ્યની બુદ્ધિમત્તા એવી છે કે જો તમે તેનું યોગ્ય આયોજન નહીં કરો તો તે જીવોના અનુભવની સરખામણીમાં કે, તે તમારી માટે જેમને તમારા કરતાં દસ લાખમાં ભાગનું મગજ છે તેના કરતાં પણ વધારે મુંઝવણ અને પીડા ઊભી કરશે – તેઓને બધી સ્પષ્ટતા હોય તેમ લાગે છે. એક અળસિયું અથવા જીવડું સારી રીતે જાણે છે કે તેણે શું કરવું કે ન કરવું- એક મનુષ્યને તેની જાણ નથી. અમુક બુદ્ધિમત્તાની જરૂર પડે છે મૂંઝવણમાં પડવા માટે. માનવ સંઘર્ષ આપણી પોતાની મગજની ક્ષમતાને કારણે છે.
એક મહાન સંભાવના બનવાના બદલે મોટાભાગના લોકો માટે બુદ્ધિમત્તા એક સમસ્યા બની ગઈ છે. તેઓ પોતાની પીડાઓને વિભિન્ન નામો આપે છે, તેને તણાવ, વ્યગ્રતા, ડીપ્રૅશન, ગાંડપણ અથવા વ્યથા કે દુઃખ કહે છે. પરંતુ મૂળભૂત રીતે તેનો અર્થ છે કે, તેઓની બુદ્ધિમત્તા તેમની વિરુદ્ધ કાર્ય કરી રહી છે. જો તમે પોતાની જાતે પીડા ભોગવો છો, કોઈ બીજાના ત્રાસ વગર તો તેનો અર્થ છે કે, તમારી બુદ્ધિમત્તા તમારી વિરુદ્ધ કામ કરી રહી છે. આ માનવ અસ્તિત્ત્વનો સ્વભાવ હોવાથી, સ્પષ્ટતાનું સર્વોચ્ચ મહત્વ છે. તેથી જ પ્રકાશ મહત્વપૂર્ણ છે. પ્રકાશ એટલે સ્પષ્ટતા. દિવાળી મહત્વપૂર્ણ છે કારણ કે, તે તમારામાં રહેલી મૂર્ખતાને દૂર કરવા માટે સ્પષ્ટતા માટે સમર્પિત તહેવાર છે.
*દિવાળી કેમ ઉજવવામાં આવે છે?*
ઐતિહાસિક રીતે આ દિવસે કૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો હતો. નરકાસુર તેનું સાચું નામ નહોતું, પરંતુ તે બધાને નર્ક સમાન ત્રાસ આપતો હતો એટલે તેઓ તેને નરકાસુર કહેતાં હતા. જે બીજા બધાને ત્રાસ કે પીડા આપે તે નરકાસુર કહેવાય. જયારે કૃષ્ણએ આ “ત્રાસથી” મુક્તિ અપાવી ત્યારે લોકોએ ઘેર ઘેર દીવાઓ પ્રગટાવીને તેની ઉજવણી કરી. એવું મનાય છે કે આ નરકાસુરવાળી ઘટના ઘણા સમય બાદ ઘટી, પરંતુ આ સમયે દીવા પ્રગટાવવાની સંસ્કૃતિ અને પરંપરા લગભગ બારથી પંદર હજાર વર્ષ પુરાણી છે. લોકોને સમજાયું કે વર્ષના આ સમયે જીવન એક નિષ્ક્રિયતા તરફ પ્રયાણ કરે છે. તેનો હેતુ એ છે કે તમે એક ફટાકડા સમાન જીવંત ન હો તો ઓછામાં ઓછું તમારી આસપાસ ફૂટતા ફટાકડા તમને થોડાક અંશે જગાડી દેશે. આ કારણે નરક-ચતુર્દશી પર લગભગ સવારનાં ચાર વાગ્યાથી આખા દેશમાં ફટાકડા ફોડવામાં આવે છે કે જેથી સૌ કોઈ જાગી જાય અને જીવંત બને.
આ તો વાત થઈ તહેવારની પ્રકૃતિની, પરંતુ મહત્ત્વનું પાસું છે કે, નિષ્ક્રિયતા દૂર થાય. જીવન સમય અને ઊર્જાનો ખેલ છે. તમારી પાસે અમુક પ્રમાણમાં સમય અને અમુક પ્રમાણમાં ઊર્જા છે. તમે વ્યસ્ત હો કે સુસ્ત, સજા કે માંદા, સમય પસાર થયા કરે છે. આપણા સૌ માટે, સમય સરખી માત્રામાં પસાર થાય છે. કોઈપણ તેને ધીમો નથી પાડી શકતું કે વધારે જલ્દી ચલાવી નથી શકતું. પરંતુ તમારો સમયને અનુભવવાનો આધાર અલગ હોય શકે છે, જે તમારા આનંદિત કે દુ:ખી હોવા પર નિર્ભર છે. જો તમે અતિઆનંદમાં છો, તો ચોવીસ કલાક એક ક્ષણની જેમ પસાર થતો જણાશે. જો તમે દુ:ખી કે હતાશ હશો તો ચોવીસ કલાક તમારા માટે એક યુગ સમાન જણાશે.
જો તમે આનંદિત હશો તો આ જીવન ખુબ ટૂંકું છે. જે પ્રમાણની ક્ષમતા એક મનુષ્ય ધરાવે છે, જો તમે સો વર્ષ જીવશો તો પણ તે ઘડીક વારમાં પસાર થઇ જશે. પરંતુ તમારામાં જો નિષ્ક્રયતા આવી ગઈ છે અને તમે દુ:ખી છો, તો પછી એવું લાગે કે સમય પસાર જ નથી થતો. જયારે લોકો દુ:ખી હોય છે ત્યારે મનોરંજનની જરૂરિયાત ઘણી વધી જાય છે. જયારે લોકો આનંદિત હોય છે ત્યારે તેમને મનોરંજન માટે સમય નથી હોતો. તમારો પૂરો સમય આનંદથી ભરપૂર હોય છે. તમે સવારે ઉઠો છો અને તમે નોંધ લો તે પહેલા તો રાત પડી જાય છે. જયારે તમે આનંદિત હો છો, ત્યારે તમારાથી જે શક્ય છે તે બધું તમે કરો છો. જયારે તમે દુ:ખી હો છો ત્યારે તમે હમેશા જોશો કે બધી વસ્તુઓને કેવી રીતે ટાળવી.
“ભગવાનની મહેરબાની, આવતીકાલે શનિ-રવિ છે.” એવી સંસ્કૃતિ ફેલાઈ રહી છે. જેનો અર્થ છે કે, પાંચ દિવસની પીડા બાદ બે દિવસ. આનંદના બે દિવસ નહીં પરંતુ મોટાભાગે બે દિવસનો નશો. જો તમારે લોકોને હસાવવા, ગાવા,નચાવવા, કે પછી કોઈ આનંદપ્રમોદ માટે તેમને નશો કરાવવો પડે છે, ઓછામાં ઓછું દારૂનો એક ગ્લાસ આપવો પડે છે – નહીંતર આ બધું શક્ય નથી. આ બધું એટલા માટે થયું છે કારણ કે, ઘણી બધી વિવિધ રીતે લોકો પોતાની અંદર નિષ્ક્રિયતાનું નિર્માણ કરી રહ્યાં છે. જયારે નિષ્ક્રિયતા અંદર સેટલ થઈ જાય છે, ત્યારે જીવન ખૂબ લાંબુ લાગે છે. દિવાળી આ નિષ્ક્રિયતાનો નાશ કરવાનું પ્રતિક છે કારણ કે, નિષ્ક્રિયતા નરકનો સ્ત્રોત છે. એકવાર નિષ્ક્રિયતાની શરૂઆત થાય એટલે તમે નરકમાં નહીં જાઓ પરંતુ નરક બની જશો. રોષમાં, ઈર્ષામાં, દ્વેષમાં અને ભયમાં તમે એક નરકનું નિર્માણ કરો છો અને નરકાસુર બની જાઓ છો. જો આ બધું નષ્ટ કરવામાં આવે તો આ નવો પ્રકાશ ચમકશે.
તમે સૌ અત્યારે દિવાળીની શોપિંગ કરી રહ્યા હશો કે પછી થઈ ગઈ હશે. કોઈક તો વળી બહારગામ ફરવા જવાની તૈયારીમાં હશે.
પરંતુ દોસ્તો, આપણા દરેક તહેવારો પાછળ કોઈને કોઈ કથા કે પરંપરા રહેલી છે, જેમાંથી આપણે કંઈક શીખવાનું પણ હોય છે. એ ઉત્સવ પાછળ રહેલો હેતુ અને અર્થને આજે સમજીએ અને ચાલો આપણે દિવાળીને સાર્થક કરીએ.
*દિવાળી શીખવાડે છે આ પણ*
• દિવાળીના પાંચેય દિવસો સાથે કોઈને કોઈ પૌરાણિક કથા જોડાયેલી છે. તમે આ કથાઓ જાણશો તો શું યોગ્ય છે અને શું અયોગ્ય છે એનો નિર્ણય લેવા સમર્થ બનશો. રાવણથી લઈને નરકાસુર સુધીની દરેક કથાઓ દ્વારા તમને સારાં-નરસાનો ખ્યાલ આવશે. જો તમે આ વાર્તાઓ સાંભળી ન હોય તો તમારા દાદા-દાદી કે કોઈ મોટાં પાસે બેસીને સાંભળો અને તેમાં રહેલી સારી વાતોને જીવનમાં ઉતારી અને ખરાબ આચરણનો ત્યાગ કરો.
• તમે ઘણીવાર જોયું જ હશે કે દિવાળીના તહેવારમાં મમ્મી-પપ્પા કે ઘરના વડીલો સગાં-સંબંધીઓને કે પછી તમારે ત્યાં કામ કરતાલોકોને કોઈને કોઈ ભેટ આપે છે. મિત્રો દિવાળી ખરેખરમાં એકમેક સાથે આનંદ વહેંચવાનો તહેવાર છે. તમે પણ એમાં સામેલ થઈ શકો છો. કોઈને કશી જરૂરિયાત હોય તો તેને એ આપો. એ સિવાય તમારાં કપડાંઓ, રમકડાં, ફટાકડાં, મીઠાઈ વગેરે અન્ય સાથે વહેંચો. તમને અન્યો સાથે આ રીતે આનંદ વહેંચતા જોઈને તમારા મમ્મી-પપ્પા અવશ્ય રાજી થશે.
• દિવાળીનો તહેવાર આપણા વ્યક્તિત્વને પણ સુધારે. વડીલો ને માન આપવું, તેમને પગે લાગી પ્રેમાળ આશીર્વાદ મેળવવા. દરેક સાથે મધુર વાણી અને શિષ્ટાચાર સાથે વાતચીત કરવી. આ દરેક ગુણ તમને ઉત્તમ વ્યક્તિ બનવામાં મદદ કરશે.
*નવી શરૂઆત તરફ ડગ માંડો*
દિવાળી આવવાની હોય ત્યારે આપણે સૌ કેવી અલગઅલગ તૈયારીઓમાં મંડી પડીએ છીએ. ઘર માટે સુશોભનની નવી વસ્તુઓ, કોકરી, નવાં કપડાં આવી તો કેટકેટલીયે વસ્તુઓ આપણે હોંશેહોંશે ખરીદીએ છીએ. એ રીતે જ આપણી જાત માટે પણ આપણે તૈયારીઓ કરવી જોઈએ, જેવી કે, સારી આદતો અપનાવવી. આખું વર્ષ પાળી શકાય એવો કોઈ સંકલ્પ કરવો. મિત્રો સાથે કોઈ મનદુઃખ હોય તો એકમેકની માફી માગી નવેસરથી શરૂઆત કરવાનો આ સમય છે.
*લોકોને હળોમળો*
આજના ડિજિટલ યુગમાં લોકોનું એકબીજા સાથે હળવામળવાનું ઓછું થઈ ગયું છે. મોબાઈલમાં એક મેસેજ કરો અને અને દિવાળીની શુભકામના અપાઈ ગઈ. પરંતુ એ સાચી રીત નથી. અગાઉ લોકો એકમેકના ઘરે જઈ ઉલ્લાસપૂર્વક મળતા હતા. તમે પણ આ દિવાળી સગા-સંબંધી, મિત્રો, પાડોશી બધાને ત્યાં રુબરુ જઈને શુભકામના આપો. સૌની સાથે મળીને મીઠાઈ ખાઓ અને સંબંધોમાં પણ મીઠાશ ભરો
*અન્યોની કાળજી રાખો*
એ વાત સાચી કે તહેવાર મોજ-મસ્તી અને આનંદ માટે હોય છે, પરંતુ આપણી આસપાસ જો કોઈ બીમાર હોય, વૃદ્ધ હોય કે પાળીતું પ્રાણી હોય તો ધ્યાન રાખવું કે ફટાકડાના અવાજથી તેમને કોઈ તકલીફ ન પહોંચે. ફટાકડા ફોડતા સમયે એ બાબત જોઈ લેવી કે તેમને કોઈહેરાનગતિ તો નથી થઈ રહી! પાળતું પ્રાણી તેના અવાજથી ડરતાં હોય તો એ અંગે સાવધ રહેવું.
એ સિવાય ફૂટેલા ફટાકડાનો કચરો ચારેબાજુ ફેલાવવો નહીં. આપણા સાથે સફાઈકર્મીઓનો પણ તહેવાર છે એ ભૂલશો નહીં.
પર્યાવરણનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. વધુ કચરો અને ધુમાડો થાય એવા ફટાકડા ફોડશો નહીં.
બસ, તો ત્યારે કરવા માંડો દિવાળીની તૈયારી. આ દિવાળી તમારા પરિવાર તથા મિત્રો સાથે ઉલ્લાસભેર મનાવજો.
સૌને એડવાન્સમાં હેપી દિવાલી તથા નવા વર્ષની શુભકામનાઓ!
વિશાલ બરાસરા
સંચાલક, પુરુષાર્થ ક્લાસિસ
ગણિત શિક્ષક, નિર્મલ વિદ્યાલય.