મોરબી : આજે તારીખ 30 ઓક્ટોબરે મોરબીમાં સર્જાયેલી ઝૂલતાપૂલ દુર્ઘટનાની બીજી વરસી છે.જેમાં 135 લોકોનો ભોગ લેવાયો હતો. ત્યારે આ તમામ મૃતકોના આત્માની શાંતિ માટે મોરબીમાં સામાજિક કાર્યકરો દ્વારા શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તકે મૃતકોના પરિવારજનોએ આ દુર્ઘટનામાં યોગ્ય ન્યાય મળશે ત્યારે તેમના દિવંગત પરિજનોને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે તેમ જણાવ્યું હતું.


મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, અજયભાઈ વાઘાણી, દેવેશભાઈ રાણેકવાળીયા, વાલજીભાઈ મુછડીયા, મુસાભાઈ બ્લોચ દ્વારા આજે ઝુલતા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ દિવ્ય આત્માઓની શાંતિ માટે અને ન્યાય માટે આજે 30 ઓક્ટોબર ને બુધવારે સવારે ઝુલતા પુલના પાછળના ભાગે શાંતિ હવનનું આયોજન કરાયું હતું. આ શાંતિ હવનમાં મૃતકોના પરિવારજનો, રામધન આશ્રમના ભાવેશ્વરી બેન સહિતના લોકો ઉપસ્થિત રહી હવનમાં આહૂતિ આપીને મૃતકોના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી. મૃતકોના પરિવારજનોએ જણાવ્યું હતું કે, ઝુલતા પુલ દુર્ઘટનામાં જે ગુનેગારો છે તેમને સજા મળશે ત્યારે જ મૃતકોને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે.


