મોરબી : હળવદમાંથી પસાર થતી નર્મદાની મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી ખેડૂતોને રવિ પાક માટે પાણી આપવા ખેડૂતોની સાથે ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ રજુઆત કરતા સરકારે કાલથી માળિયા બ્રાન્ચની કેનાલમાં પાણીનો પ્રવાહ વધારી દેવાનો નિર્ણય જાહેર કર્યો છે.
જ્યારે મોરબી અને ધ્રાંગધ્રા બ્રાન્ચની કેનાલમાં બંધ કરી દેવામાં આવેલું પાણી ફરી શરૂ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. મોરબી જિલ્લાના છેવાડાના ખેડૂતોને શિયાળુ પાકના વાવેતર માટે પાણીની તાતી જરૂરિયાત ઉભી થઇ છે. ધ્રાંગધ્રા અને મોરબી બ્રાન્ચ કેનાલ 15 દિવસથી બંધ હોય ખેડૂતોની માંગ ધ્યાને લઇ ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ પણ રજુઆત કરી હતી કે મોરબી જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. આથી આગામી રવિ પાકથી આ ખોટ સરભર કરી શકાશે. રવિ પાક માટે કેનાલમાંથી પાણી આપવું જરૂરી છે. હાલમાં ખેડૂતો દ્વારા શિયાળુ પાકનું મોટા પાયે વાવેતર કરવામાં આવેલ છે.
