જેલ આઈજી સ્ક્વોડની ઓચિંતી જડતીમાં જેલર સામે કાર્યવાહી કરીને રાતોરાત નવા જેલર મુકાયા
મોરબી : મોરબીની સબજેલમાં અનેકવાર પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હોવાની વચ્ચે વિવાદમાં રહેલી આ સબજેલ ફરી વિવાદમાં આવી છે. જેમાં જેલ આઈજી સ્ક્વોડની ગતરાત્રે ઓચિંતી જડતીમાં સબ જેલમાં પણ બંધાણી કેદીઓને માવાની સુવિધા અપાતી હોવાનું સામે આવ્યું છે. આ માવા ફાકીએ પણ જેલરની બદલી કરવી હતી અને રાતોરાત નવા જેલર મુકાયા છે.
મોરબી સબ જેલમાં કેદીઓને માવા ફાકી સહિતની સુવિધાઓ અપાતી હોવાની ઉચ્ચ અધિકારીઓ સુધી ફરિયાદ ગયા બાદ જેલ આઈજી સ્ક્વોડની ટીમ ઓચિંતી મોરબીની સબજેલ ત્રાટકી હતી અને સબજેલમાં જડતી લેતા જેલર સહિતના જેલ સ્ટાફના હોશકોશ ઉડી ગયા હતા અને પોતાની બેદરકારી છુપાવવાનો ટાઈમ પણ મળ્યો ન હતો.જેલ આઈજી સ્ક્વોડની ટીમેં જેલની દરેક બેરેક સહિતની જડતી લીધી હતી. આ દરમિયાન જેલની બેરેકમાંથી 40 જેટલા માવા-ફાકી મળી આવતા તપાસ દરમિયાન જેલ તંત્ર દ્વારા જેલની અંદર પણ કેદીઓને માવા સહિતની સુવિધાઓ અપાતી હોવાનું બહાર આવ્યું હતું. મોરબી સબ જેલમાંથી 40 માવા પકડાયાનું સામે આવતા તાત્કાલિક અસરથી મોરબી સબ જેલના જેલર સુજાનસિંહ ચુડાસમાની બદલી કરવામાં આવી છે.તેઓ દોઢેક મહિના પહેલા જ અહીં મુકાયા હતા તેમની જગ્યાએ હવે રાજપીપળાથી એચ.એ.બાબરીયાની નવા જેલર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
