યુવાને 6.33 લાખના 17.52 લાખ આપ્યા છતાં પઠાણી ઉઘરાણી કરી ચેક પડાવી લીધા
મોરબીમાં વ્યાજખોરી સામે પોલીસની કડક કાર્યવાહી છતાં વ્યાજખોરો બેલગામ બન્યા હોવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોરબીમાં રોજગારીની તલાશમાં આવેલા ઓરિસ્સાના યુવાનને ઘર ખરીદવા ગારમેન્ટના વેપારી પાસેથી અધધધ 48 ટકા વ્યાજે લેખે થોડા થોડા અંતરે 6.33 લાખ વ્યાજે લઈને 17.52 લાખ આપી દીધા છતાં આ વેપારીએ પઠાણી ઉઘરાણી કરી યુવાનનું જીવવું હરામ કરી દીધું હતું. વ્યાજખૌરે બળજબરીથી ચેક લખાવી લઈ પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.
મોરબીના શોભેશ્વર રોડ ઉપર શાંતિવન સોસાયટીમાં રહેતા મૂળ ઓરિસ્સાના વતની રાકેશભાઈ ગોવર્ધનભાઈ પેંથોઈ ઉ.29 નામના યુવાનને તેમના પિતરાઈ ભાઈને ઘરનું ઘર લેવું હોય રાકેશભાઈએ અગાઉ પોતાના માટે લોન લીધી હોવાથી પરિચયમાં આવેલ કુલદીપભાઈનો સંપર્ક કરતા કુલદીપભાઈએ આરોપી જયેશ વિનોદભાઈ કાનાબાર સાથે ફરિયાદી રાકેશભાઈનો પરિચય કરાવ્યો હતો.આથી મોરબીના ચકિયા હનુમાનજી મંદિર પાસે ગારમેન્ટની દુકાન ધરાવતા આરોપી જયેશભાઇ વિનોદભાઈ કાનાબાર પાસેથી રાકેશભાઈએ જૂન 2023મા પ્રથમ બે લાખ રૂપિયા 48 ટકા વ્યાજે અને બાદમાં 4.33 લાખ મળી કુલ 6.33 લાખ 48 ટકા વ્યાજે લઈ આરોપી જયેશને બેન્ક મારફતે તેમજ રોકડેથી રૂપિયા 17.52 લાખ ચૂકવી દેવા છતાં આરોપી જ્યેશે ફરિયાદીના ઘેર જઈ અવાર નવાર વ્યાજની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. આથી યુવાને વેપારી જ્યેશભાઈ સામે વ્યાજખોરીના બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.