જાણીતી ટાઇલ્સ કંપનીના ડાયરેકટર તરીકે ઓળખ આપી શિશામાં ઉતાર્યા
મોરબી : મોરબીના ટાઈલ્સના વેપારી સાથે વોટ્સએપમા મેસેજથી વાતચીત કરી જાણીતી ટાઇલ્સ કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેકટર તરીકેની ઓળખ આપી વિશ્વાસ કેળવી ભેજાબાજ ગઠિયાએ બેન્ક એકાઉન્ટમાં રૂપિયા 98 લાખ ટ્રાન્સફર કરાવી નાખતા ચોંકાવનારા બનાવ અંગે મોરબી સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
મોરબીના આલાપ રોડ ઉપર રહેતા અને કોરલ ગોલ્ડ ટાઈલ્સના નામે વ્યાપાર કરતા ફરિયાદી કેતનભાઈ પ્રભુભાઈ દલસાણીયાએ મોરબી સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં વોટ્સએપ મોબાઈલ નંબર 9936955716ના યુઝર તેમજ યુકો બેન્કના એકાઉન્ટ નંબર 34990210000687ના ખાતા ધારક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓ જોન્સન કંપનીના ડાયરેકટર સાથે અવાર નવાર વાતચીત કરતા હોય 99036955716 નંબરના મોબાઈલ ઉપરથી આરોપીએ વોટ્સએપ મેસેજ કરી પોતે જોન્સન કંપનીના એકઝ્યુકેટિવ ડાયરેકટર શરત ચાંડાક તરીકેની ઓળખ આપી હતી અને વિશ્વાસ કેળવી એડવાન્સ પેમેન્ટ મોકલી આપવાનું કહેતા કેતનભાઈએ રૂપિયા 98 લાખ આરટીજીએસથી મોકલી આપ્યા હતા બાદમાં શરત ચાંડાક સાથે વાતચીત કરતા તેઓએ કોઈ મેસેજ ન કર્યો હોવાનું કહેતા કેતનભાઈને પોતાની સાથે વિશ્વાસઘાત થયાનો અહેસાસ થતા છેતરપિંડીના આ બનાવ અંગે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.