મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ ગામ નજીક નર્મદા કેનાલ રોડ ઉપરથી ગત તા.20ના રોજ એક અજાણ્યો યુવાન સળગી ગયેલી હાલતમાં મળી આવતા પ્રથમ મોરબી બાદ રાજકોટ સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન યુવાનનું મૃત્યુ નિપજતા પોલીસે યુવાનના વાલી વારસોની શોધખોળ શરૂ કરી બનાવનો ભેદ ઉકેલવા તપાસ શરૂ કરી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં આવેલ નોકેન સિરામિક કારખાના પાછળ પસાર થતી નર્મદા કેનાલના ડામર રોડ ઉપરથી ગત તા.20ના રોજ અંદાજે 25થી 30 વર્ષની ઉંમરનો એક અજાણ્યો પુરુષ સળગી ગયેલ હાલતમાં મળી આવતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યા તા.21ના રોજ બપોરના સમયે યુવાને દમ તોડી દેતા મોરબી તાલુકા પોલીસે અજાણ્યા યુવકના વાલી વારસોની શોધખોળ શરૂ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.