“ધ સાબરમતી રિપોર્ટ” ફિલ્મને લઈ મિડિયા સમક્ષ ધારાસભ્ય અમૃતિયાએ આંખો દેખી વેદના વ્યક્ત કરી

મોરબી: ગોધરાકાંડ પર બનેલી વિક્રાંત મેસીની ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે. આ ફિલ્મ 15 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિલ્મના વખાણ કર્યા હતા. અને વડાપ્રધાન મોદીએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, સત્ય સામે આવી રહ્યું છે અને તે પણ એક રીતે જે સામાન્ય લોકો જોઈ શકે છે. એક નકલી વાર્તા માત્ર મર્યાદિત સમય સુધી જ ચાલી શકે છે. અંતે, સત્ય હંમેશા સામે આવે છે.’

2002માં ગોધરાકાંડ પર બનેલ “ધ સાબરમતી રિપોર્ટ” ના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ વખાણ કર્યા હતા. એટલું જ નહિં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ સાથે મુલાકાત કરી હતી. તેમાં લીડ એક્ટર વિક્રાંત મેસી, ડિરેક્ટર એકતા કપૂર અને રાશિ ખન્ના સાથે મુલાકાત કરી હતી. અને મુલાકાતની તસ્વીરો સોશ્યલ મિડિયામાં શેર કરતા લખ્યું હતું કે, ‘ધ સાબરમતી રિપોર્ટ’ની ટીમને મળ્યા અને સત્ય બહાર લાવવાની હિંમત બદલ અભિનંદન પાઠવ્યા. તેમજ તેમણે આગળ લખ્યું છે કે, “આ ફિલ્મ જૂઠાણા અને ભ્રામક તથ્યોને ઉજાગર કરે છે અને તે સત્યને બહાર લાવે છે, જે રાજકીય હિતોને પૂરા કરવા માટે લાંબા સમયથી દબાવી દેવામાં આવ્યું હતું.”

“ધ સાબરમતી રિપોર્ટ” ફિલ્મ હાલ ખૂબ જ ચર્ચામાં છે. ફિલ્મને ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં ટેક્સ ફ્રી કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં આશ્રમ રોડ ખાતે આવેલા સિટી ગોલ્ડ સિનેમા ખાતે “ધ સાબરમતી રિપોર્ટ” ફિલ્મને નિહાળ્યા બાદ ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી કરવાનો મહત્વનો નિર્ણય લીધો હતો.

ત્યારે આજે મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા ગોધરાકાંડને લઈને લોકોમાં જાગૃતિ ફેલાઈ તેવા હેતુથી “ધ સાબરમતી રિપોર્ટ” ફિલ્મના શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના શનાળા રોડ પર આવેલ સ્કાય મોલ સિનેમા ગૃહ ખાતે આજે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવક્તા જયંતિભાઈ કવાડિયા, મોરબી જિલ્લા મહામંત્રી ભાવેશભાઈ કંઝારિયા, ભરતભાઈ ડાંગર, મોરબી શહેર યુવા ભાજપ મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા, ભરતભાઈ બારોટ તથા ભાજપના આગેવાનો-કાર્યકતાઓ સહિત 600થી વધુ લોકોએ આજે “ધ સાબરમતી રિપોર્ટ” ફિલ્મ નિહાળી હતી.

ત્યારે “ધ સાબરમતી રિપોર્ટ” ફિલ્મને લઈને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ મિડિયા સમક્ષ ગોધરાકાંડ સમયની પોતે આંખે જોયેલ વેદના વ્યક્ત કરી હતી. તેમણે મિડિયાને ઇન્ટરવ્યૂ આપતા જણાવ્યું હતું કે, ગોધરાકાંડની ઘટના બની તે સમયે હું ધારાસભ્ય હતો. અને સાંજે જ ગોધરા પહોંચ્યા હતો. તે સમયે મે જોયું કે રિંગણાને જેમ ભઠ્ઠામાં નાખીને બળી જાય તેમ આપણા હિન્દુભાઈઓ બળી ગયા હતા. અને તે જોયા પછી મને ખૂબ જ દુઃખ થયું હતું. અને આજે તે ઘટના પર આધારિત “ધ સાબરમતી રિપોર્ટ” ફિલ્મ બનાવી તે ફિલ્મ નિર્માતાને હું અભિનંદન આપું છું કે તમે જે હકીકત છે તે બતાવી છે.
ધ સાબરમતી ફિલ્મ તમામે જોવી જોઈએ: ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા
ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, ગોધરાકાંડ ઘટના પર આધારિત “ધ સાબરમતી રિપોર્ટ” ફિલ્મ તમામ હિન્દુઓએ જોવી જોઈએ એટલું જ નહિં અને મારૂ આહ્વાન છે કે, હિન્દુ શિવાય પણ લધુમતિ સમાજે પણ ફિલ્મને જોવે અને તે બાદ આવું પગલું કોઈના ભરે તેવા પણ પ્રત્યન કરવા જોઈએ. અને રાજકીય-સામાજિક કે હિન્દુ વિચાર સરણીઓના કે હિન્દુ સંગઠનના લોકોએ આગળ આવીને જાગૃતિ માટે 200-500 અથવા જે શક્તિ મુજબ લોકોને “ધ સાબરમતી રિપોર્ટ” ફિલ્મ બતાવવા માટેનું આયોજન કરવું જોઈએ.

હું સંઘ અને મોદીની વિચારસરણી સાથે જોડાયેલો છું: ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા
“ધ સાબરમતી રિપોર્ટ” ફિલ્મ લોકોને બતાવવાની પહેલ કરવા બદલ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, હું સંઘ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિચારસરણી સાથે જોડાયેલો છું એટલે હિન્દુઓને જાગૃતિ માટે મારે આ પહેલ કરવી જ પડે. અને ગોધરાકાંડની સાચી વાત લોકો સમક્ષ ફિલ્મના માધ્યમથી મુકાતી હોય તો અમે સંઘના સ્વયં સેવક તરીકે પહેલના કરીએ તો મને એવુ લાગે કે અમારા જેવા નગુણા કોઈ ના કહેવાય.

મારો સ્વભાવ છે જેને જે બોલવું હોય તે બોલે: ધારાસભ્ય અમૃતિયા
“ધ સાબરમતી રિપોર્ટ” ફિલ્મને ટેક્સ ફ્રી કરવા બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ આભાર માન્યો હતો. જ્યારે અંતમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, ગોધરાકાંડ ઘટના વખતે હું ત્યા ગયો હતો. હિન્દુઓ પર આફત આવે ત્યારે પહેલ કરવાનો મારો વિચાર હોય. 40 વર્ષના જાહેર જીવનમાં લોકોને મારા વિશે જે બોલવું હોય તે બોલે. કારણ કે મારો સ્વભાવ એવો છે. મોરબી મચ્છુ હોનારત આવ્યું ત્યારે સંઘના સ્વયંસેવક તરીકે કામ કર્યું છે.
