મોરબી : આજના સમયમાં એક રૂપિયાથી લઈ એક લાખથી વધુની કિંમતની ચીજ વસ્તુઓ ઓનલાઈન મંગવાવવાનો ટ્રેન્ડ છે ત્યારે જાણીતી ઓનલાઈન માર્કેટિંગ કંપની ફિફ્લપકાર્ટના મોરબીના ડિલેવરીબોયે કાંડ કરી નાખી ગ્રાહકોના નામે પોતે જ કિંમતી આઈટમો મંગાવી બાદમાં પાર્સલમાંથી કિંમતી ચીજો કાઢી લઈ અન્ય ચીજ નાખી પાર્સલ પેક કરી ગ્રાહકે પ્રોડકટ રિટર્ન કર્યાનું જણાવી કંપનીને સવા લાખનો ચુનો ચોપડી દેતા આ ચોંકાવનારી છેતરપિંડી મામલે મોરબીમા ફરિયાદ નોંધાઇ છે. જો કે, ડિલેવરી બોયનો ભાંડો ફૂટી જતા કેટલીક ચીજો કંપનીના તેને પરત જમા પણ કરાવી દીધી હતી.
મોરબીના કંડલા બાયપાસ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ સામે આવેલ ફ્લિપકાર્ટ કંપનીના વેરહાઉસમાં ડિલેવરીબોય તરીકે નોકરી કરતા આરોપી રફીક હનીફભાઈ ભટ્ટી રહે.વાવડી રોડ મોરબી વાળા વિરુદ્ધ ફિફ્લપકાર્ટ કંપનીના અધિકારી મહેશભાઈ મોહનભાઈ રાઠોડ રહે. રાજકોટ વાળાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યુ હતું કે, આરોપી રફીક ફ્લિપકાર્ટ કંપનીના ડિલેવરીબોય ત૨ીકે નોકરી કરતો હોય તેને વીસીપરા વિસ્તારમાં ગ્રાહકોને ઓનલાઈન વસ્તુઓની ડિલિવરી કરવાની ફરજ સોંપવામાં આવી હતી.
વધુમાં આરોપી એવા ડિલેવરીબોય રફીકે અલગ અલગ ગ્રાહકોના નામે સોની પ્લે સ્ટેશનના જુદા જુદા મોડેલ તેમજ એપલ એરપોડના જુદા જુદા મોડલ કિંમત રૂપિયા 1,23,500ની ચીજ વસ્તુઓ ઓનલાઈન ઓર્ડર કર્યા બાદ આ ચીજવસ્તુઓ પાર્સલમાંથી કાઢી લઈ ફ્લિપકાર્ટના વેરહાઉસમાં ગ્રાહકે ઓર્ડર રિટર્ન કર્યો છે તેમ જણાવી ઓરીજનલ પાર્સલમાંથી વસ્તુઓ કાઢી લઈ તેમાં બીજી નકામી વસ્તુ નાખી જમા કરાવી દીધી હતી. જો કે, કંપનીના કર્મચારીઓએ રિટર્ન વસ્તુઓનું ચેકીંગ કરતા ડિલેવરીબોય રફીકનો ભાંડો ફૂટી જતા કેટલીક આઇટમો પરત જમા કરાવી દીધી હતી. આ મામલે ફ્લિપકાર્ટના લીગલ સ્ટાફના મહેશભાઈ મોહનભાઈ રાઠોડે મોરબી સીટી એ ડિવિઝનમા અનોખી છેતરપિંડી મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.