મોરબી: ગોધરાકાંડ ઘટના પર આધારિત “ધ સાબરમતી રિપોર્ટ” ફિલ્મ હાલ ખૂબ જ ચર્ચામાં છે. ત્યારે ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા આજે “ધ સાબરમતી રિપોર્ટ” ફિલ્મના શો નું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના કંડલા બાયપાસ રોડ પર આવેલ નેક્સસ સિનેમા ખાતે આજે રવિવારે સવારે 10 કલાકે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તથા 66 ટંકારા પડધરી વિધાનસભા વિસ્તારના કાર્યકર્તા અને હોદેદારો તથા બહોળી સંખ્યામાં લોકોએ “ધ સાબરમતી રિપોર્ટ” ફિલ્મ નિહાળ્યું હતું.

ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ “ધ સાબરમતી રિપોર્ટ” ફિલ્મ નિહાળ્યા બાદ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગોધરાકાંડનું સત્ય ઉજાગર કરતી “ધ સાબરમતી રિપોર્ટ” ફિલ્મ તમામ લોકોએ જોવી જોઈએ. જેના થકી લોકો સુધી સત્ય વાસ્તવિકતા પહોંચે. જે રીતે ફિલ્મમાં ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસમાં લાગેલ આગ એક્સિડન્ટ છે કે જોઈ વિચારીને આગ લગાડવામાં આવી છે તેના જડ સુધી પહોચી પત્રકારે સત્ય ઉજાગર કર્યું છે. તેથી પત્રકારોએ પણ આ ફિલ્મ જોવી જોઈએ કે તેમને સાચો ધર્મ શું છે. અંતમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ “ધ સાબરમતી રિપોર્ટ” ફિલ્મને ગુજરાતમાં ટેક્સ ફ્રી કરવા બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.
