હળવદ: ધાંગધ્રા-હળવદ હાઈવે રોડ ઉપર સુખપર ગામની નદીના પુલ નજીક લકઝરી બસે બાઇકને હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા સગીરનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બે યુવક ઇજાગ્રસ્ત થયા હતા આ બનાવ અંગે બસ ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
હળવદ તાલુકાના સુખપર ગામે રહેતા રવિરાજસિંહ ઘેલાભાઈ લિંબોલાએ આરોપી લકઝરી બસ નંબર AR01-T-2365ના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ધાંગધ્રા-હળવદ હાઈવે રોડ ઉપર સુખપર ગામની નદીના પુલ નજીક આરોપીએ પોતાના હવાલાવાળી બસ રજીસ્ટર નંબર AR01-T-2365 વાળી બેદરકારી પૂર્વક ચલાવી ફરીયાદીના મોટરસાયકલ રજીસ્ટર નંબર GJ36-AD-9183 સાથે પાછળના ભાગે ભટકાડતા ફરીયાદીને સામાન્ય મુંઢ ઇજા થઇ હતી જ્યારે સાહેદ અનિલ (ઉ.વ.18) નામના યુવકને ગંભીર ઇજા પહોંચી હતી તથા નિલેશભાઈ દામજીભાઈ રાઠોડ (ઉ.વ.17) નામના સગીરને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. તેમજ અકસ્માત સર્જી બસ ચાલક બસ મુકી નાસી ગયો હોવાથી ફરીયાદી રવિરાજસિંહ એ આરોપી બસ ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.