મોરબી જિલ્લા કલેક્ટર કે.બી.ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રજાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગામડાઓની મુલાકાત લઈ ગામના લોકોને પડતી મુશ્કેલીઓ તેમજ ગામમાં ખૂટતી પ્રાથમિક સુવિધાઓ સહિતની સુવિધાઓ મુલ્યાંકન કરી આ મુશ્કેલીઓ અને ખૂટતી સુવિધાઓ અંગે યોગ્ય પગલા લેવાની કામગીરી કરવામાં આવી રહી છે.

જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગામડાઓની મુલાકાત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીલ્લાના 32 ઉચ્ચ અધિકારીઓએ 19 ગામડાની આકસ્મિક મુલાકાત લીધી હતી આ મુલાકાત અન્વયે પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ અને તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા તેમના વિસ્તારના 1-1 ગામની મુલાકાત કરવામાં આવી હતી. ઉપરાંત અન્ય અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ મળી મોરબી તાલુકાના 5, માળીયા તાલુકાના 3, ટંકારા તાલુકાના 3, વાંકાનેર તાલુકાના 4 અને હળવદ તાલુકાના ૪ મળી કુલ 19 ગામડાઓની મુલાકાત કરવામાં આવી હતી.

મુલાકાત દરમિયાન દરમિયાન ગામડાઓમાં આંગણવાડી, પશુ દવાખાના, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને પેટા આરોગ્ય કેન્દ્રો, તલાટી મંત્રીઓની કામગીરી, શાળાઓ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સસ્તા અનાજની દુકાનો, બેન્કની સુવિધા, રોડ રસ્તાની સુવિધા, વિધવા પેન્શન સહિતના મુદ્દાઓ અંગે તપાસ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ ગામડાઓમાં જઈને અધિકારીઓ દ્વારા આરોગ્ય, શિક્ષણ, ખેતીવાડી, ગ્રામ પંચાયત, આંગણવાડી, રસ્તા, સસ્તા અનાજની દુકાન, પશુ દવાખાના, બેન્કિંગ સેવા, સિંચાઈ તેમજ પીવાના પાણી વગેરે અંગે તપાસ કરવામાં આવી હતી અને તેના અહેવાલો મેળવી કલેક્ટરની સૂચના અનુસાર આ બાબતે કામગીરી કરવામાં આવી રહી છે.
